રાધનપુરના લોટીયા-ઠીકરિયા ગામના લોકો પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટણીનો બહિષ્કાર કરશે
પાટણઃ જિલ્લાના રાધનપુર તાલુકો વિકાસમાં પછાત ગણાય છે. તાલુકાના અનેક ગામડાંઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. જેમાં તાલુકાનું લોટીયા-ઠીકરિયા ગામ અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે. ગ્રામજનોને છેલ્લા 7 મહિનાથી પીવાનું પાણી મળતું નથી,અને જે પાણી મળે એ ખારું મળતું હોવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ બંને ગામ નર્મદા નહેરથી વંચિત છે. નર્મદાના પાણી પહોંચાડવા માટે જમીનમાં પાઇપો તો નાંખી છે,પણ 7 વર્ષથી આ પાઇપો દ્વારા પાણી આપવામાં આવ્યું નથી. રસ્તાઓ બિસ્માર હોવાથી ખેડૂતોને ખેતરમાં જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોટીયા અને ઠીકરિયાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. એટલું નહીં કોઈપણ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ કે નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાધનપુર તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર આ વિસ્તારમાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ તેને પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. અને પેટા ચૂંટણી યોજાતા અલ્પેશ ઠાકોરને હરાવીને કોંગ્રેસના રઘુ દેસાઈનો વિજય થયો હતો. આ વિસ્તારના મતદારો એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે. કે, ભાજપ સરકાર દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. લોટિયા અને ઠીકરિયા ગામમાં બાળકો ભૂકંપ પહેલાના ઓરડાઓમાં કે ખુલ્લામાં ભણી રહ્યા છે. પ્રાથમિક શાળા મંજૂર થઇ છે પણ કોઈ ધ્યાન આપતું નથી. આવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે.અને ગ્રામજનો દ્વારા લોટીયા અને ઠીકરિયા ગામોમાં રાજકીય માણસોએ પ્રચાર માટે આવવું નહી એવા બેનરો સાથે ગામમાં દેખાવો કર્યા હતા. ગામના પૂર્વ સરપંચ વાલીબેનના પતિ વસ્તાજી સગરામભાઈ ઠાકોરે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. અમે અનેકવાર રજુઆતો કરી છે.