Site icon Revoi.in

ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામના લોકો પાણીના પ્રશ્ને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ઘણા ગામડાંના લોકો પોતાના ગામના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે મતદાન બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. ગામડાંના ઘણા લોકો એવું માની રહ્યા છે કે, ચૂંટણી પૂર્ણ થયા બાદ જીતેલા ઉમેદવારો પાંચ વર્ષમાં એકવાર પણ ગામડાંની મુલાકાત લેવા માટે આવતા નથી. અને ચૂંટણી ટાણે ગામના પ્રશ્નો ઉકેલવા માટે જે વાયદા કર્યા હોય તે ભુલી જાય છે. ઝાલાવાડ પંથકના અનેક ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. અને કોઈપણ રાજકીય પક્ષે પોતાના ગામમાં પ્રવેશ ન કરવાની અનેક ગામડાઓએ હાલમાં ચીમકી ઉચ્ચારી છે.  જેમાં  ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી  પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાયેલી છે.  આ અંગે અનેકવાર મુખ્યમંત્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચથી લઈને ધારાસભ્યોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા હાલમાં રાવળીયાવદરના ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા ગામ સહિત ખેતીલાયક સિંચાઈના પાણી તેમજ પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા સહિત ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની વિકટ સમસ્યા ભર શિયાળામાં પણ ભોગવી રહ્યા છે. ઉનાળામાં તો પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે. તાલુકાના કેટલાક વિસ્તારોમાં નર્મદા કેનાલના પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. પરંતુ 31 ગામો એવા છે કે,  સિંચાઈના પાણી ના મળવાથી  ખેડૂતોને પરેશાન થઈ રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, રામપરા સહિત અનેક ગામોમાં  સિંચાઈના પાણી માટે ખેડુતોની કફોડી હાલત બની છે. હાલ રવિ સિઝનમાં ઘઉં, ચણા સહિતના પાકોનું વાવેતર કરાયુ છે. પરંતુ અપૂરતા પાણીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  રાવળીયાવદર ગામમાં કોઈપણના ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ હોય તો વાડીના કૂવામાં ટ્રેક્ટર લઈ અને  પીવાનું પાણી લેવા માટે જવું પડે છે.  પીવાના પાણીની વિકટ સમસ્યાને લીધે  ગામના લોકો ચૂંટણીના સમયે વિફર્યા છે. આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે. અને હાલમાં મહિલાઓને એક કલાક સુધી લાઈનમાં ઊભા રહીએ ત્યારે માત્ર એક બેડું પાણી મળે છે. ત્યારે અનેકવાર અનેક રજૂઆતો કરવા છતાં પણ રાવળિયાવદર ગામે  પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાના કારણે ગ્રામજનો અને મહિલાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ગ્રામજનોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો છે.