Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

Social Share

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ છે. આગામી સમયમાં સુરત અને ભાવનગરમાં પણ આ સુવિધા મળતી થવાની છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ કાર્ડિયોલોજિસ્ટ મનદીપ ટીલાળા પાસેથી દર્દીઓને ઉપલબ્ધ કરાવાયેલી સુવિધા અને સારવાર સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દર્દીઓને નિઃશુલ્ક સારવાર પુરી પાડતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગમાં પાંચમા માળે સુપર સ્પેશ્યાલિટી હ્રદય રોગ વિભાગમાં અતિ આધુનિક કેથ લેબ તેમજ 2D ઇકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે, જે  સૌરાષ્ટ્ર – કચ્છનાં હ્રદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ અતિ આધુનિક કેથ લેબમાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર સહિત હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન તેમજ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે.

હૃદય વિભાગની આ આગવી સુવિધાઓ અંગે સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં કોરોનરી એન્જીયોગ્રાફિ, એન્જિયોપ્લાસ્ટી, હૃદયની નળીઓની દૂરબીન વડે તપાસ, હૃદયના પમ્પિંગમાં સુધારો કરવા માટેનું ડીવાઈસ, કોરોનરી ધમનીઓમાં સંકુચિત સ્ટેનોસિસ કેટલું ખરાબ છે તે શોધવા માટેની પ્રક્રિયા, હ્રદય સંબંધિત ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિદાન સહિત સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે. કેથલેબ વિભાગના સુચારુ સંચાલન અર્થે નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન સહિત રેસિડેન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ સહિતની ટીમ ફરજ પર કાર્યરત રહેશે.