Site icon Revoi.in

રાજ્યમાં શુક્રવારથી ત્રણ દિવસ સુધી 45થી વધુ વયના લોકોને વેક્સિન અપાશે નહીં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આવતીકાલ તા.14મીને શુક્રવારથી ત્રણ દિવસ સુધી વેક્સિન આપવામાં આવશે નહીં. ભારત સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 12થી 16 સપ્તાહની કરવાની ભલામણ કરી છે. જેને પગલે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. આ મામલે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતિ રવિએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે. 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક રિસર્ચે એ વાતનો ખુલાસો કર્યો છે કે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધાનાં 8 સપ્તાહ પછી બીજો ડોઝ લેવો ફાયદાકારક છે. બીજી બાજુ વિદેશોમાં બે ડોઝ વચ્ચેના અંતરને 12થી 16 સપ્તાહ સુધી વધારવામાં આવ્યું છે. યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે કેનેડામાં 16 સપ્તાહ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.