અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા સૌથી વધુ શિક્ષણના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં આવેલી આંગણવાડી ગેરકાયદેસર રીતે ઊભી કરી હોવાનો આક્ષેપ કરી વિરોધ કર્યો હતો. સોસાયટીની જમીન પર છેલ્લા સાત વર્ષથી આ આંગણવાડી હોવાનો અને અત્યાર સુધીમાં એકપણ બાળક આંગણવાડીમાં ન આવ્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આપની સાથે વૃંદાવન સોસાયટીના નાગરિકો પણ આ વિરોધમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડમાં વૃંદાવન સોસાયટીમાં 7 વર્ષ પહેલા સોસાયટીની પરવાનગી વગર સરકારી તંત્રએ સોસાયટીની જમીન પર આંગણવાડી બનાવી હતી. ત્યારથી સોસાયટીના દરેક સભ્ય સોસાયટીની જમીન સોસાયટીને પરત આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સરકારી તંત્ર અને આંગણવાડી વિભાગમાં ઘણી ફરિયાદો પણ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપરવાઈઝર સાથે પણ વાત કરી, પછી તેમણે તપાસ કરી અને જણાવ્યું કે, આ વોર્ડમાં 25 આંગણવાડીઓ છે, જે કાર્યરત છે. પરંતુ કોઇ પણ સરકારી કાગળોમાં આ આંગણવાડીની વિગત નથી. પ્રભારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, એક અઠવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ ત્યારબાદ કંઈ જ કરાયું નથી
સરકારના સંબધિત વિભાગમાં પણ ફરિયાદ કરી હતી અને સોસાયટીની જમીન પર આંગણવાડી બનાવવામાં આવી છે તે કાગળો બતાવવાનું કહેતા. તેમણે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. આપ’ના નેતાએ જણાવ્યું હતું કે, આ આંગણવાડીમાં છેલ્લા 7 વર્ષથી કોઈએ એક પણ બાળક જોયું નથી. જેથી આ આંગણવાડી બનાવવા પાછળ કોઈનો ખોટો ઈરાદો હોવાનું સ્પષ્ટ થાય છે. આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ અને સોસાયટીના તમામ લોકોની એક જ માંગ છે કે આ ગેરકાયદેસર આંગણવાડીને આ જગ્યાએથી હટાવીને સોસાયટીની જમીન સોસાયટીને પાછી આપવી જોઈએ