અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર પે એન્ડ પાર્કિંગનો પરવાનો અપાતા લોકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપી દેવાતા હોય છે. ત્યારે શહેરના બાપુનગર ભીડભંજન રોડ પર એએમસી દ્વારા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાતા સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બાપુનગરમાં ભીડભંજન રોડ જે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રોડ ગણાય છે. ત્યારે ત્યાં ઓન રોડ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભીડભંજન રોડ ઉપર આશરે 200થી વધુ દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. વેપારીઓનો મ્યુનિ.ના સત્તાધિશો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મ્યુનિ.એ કોઈ જાતનો વિચાર કર્યા વિના જ પાર્કિંગ માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ રોડ સૌથી ટ્રાફિક વાળો રોડ છે અને ત્યાં રોડ ઉપર જ જો વાહન પાર્કિંગ કરાવવામાં આવશે તો વધારે ટ્રાફિક થશે. રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પહેલેથી જ છે અને અહીંયા પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવે તો તેના કારણે વેપારીઓ અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
શહેરના બાપુનગરના ભીડ ભંજન રોડ પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ સામે સત્તાધારી ભાજપના કોર્પોરેટરે જ વિરોધ કર્યો છે. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે અને અહીંયા જો પે એન્ડ પાર્કિંગ કરવામાં આવશે તો વધારે ટ્રાફિકની સમસ્યા થશે અને લોકોનો વિરોધ થશે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી અને પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમસ્યા ઉભી થઈ છે.
બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડની બન્ને બાજુ દુકાનો આવેલી છે. શોપિંગ સેન્ટર આવેલા છે, આ રોડ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે.જેમાં સાંજના સમયે તેમજ પીકઅપ દરમિયાન આ રોડ ઉપર લોકોની અવર-જવર વધુ હોય છે. આ રોડ પર પે એન્ડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે. શનિવારે 200થી વધુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અને વિરોધ દર્શાવ્યો હતો.. વ્યાપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા, વેપારીઓની માગ છે કે, આ જે રોડ ઉપર પે એન્ડ પાર્કિંગ કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પટ્ટા દોરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર આવેલી દુકાનોની આસપાસ ક્યાંય પણ પે એન્ડ પાર્કિંગ નથી. ત્યાં વાહન પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓ રોડ ઉપર જ વાહન મૂકે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હવે આવા રોડ ઉપર વાહન પાર્કિંગ કરનારા સામે પૈસા ઉઘરાવવાનું શરૂ કરતાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.