- 26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ બનાવાયું છે.
- PM મોદીના હસ્તે વર્ષ 2018માં લોકાર્પણ કરાયું હતું,
- છેલ્લા 6 વર્ષમાં 3.16 લાખ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી
રાજકોટઃ શહેર સાથે મહાત્મા ગાંધીજીનો નાતો ગાઢ રહ્યો છે. ગાંધીજીએ રાજકોટમાંથી શિક્ષણ લીધુ હતુ. અને શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે. રાજકોટ મ્યુનિ દ્વારા કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યઝિયમ બનાવવામાં આવ્યુ છે. અને વર્ષ 1018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તો તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પણ શહેરીજનોને ગાંધીજીના મ્યુઝિયમમાં કોઈ રસ ન હોય તેમ છેલ્લા 6 વર્ષમાં 3,16 લાખ લોકોએ જ મ્યુઝિયમની મુલાકાત લીધી છે,
રાજકોટ શહેરમાં વર્ષો જુની મોહનદાસ ગાંધી વિદ્યાલય કે જે અગાઉ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે જાણીતી હતી. 2001માં ભૂકંપ પછી રિનોવેશન સહિતનો ખર્ચ સરકાર દ્વારા કરાયા બાદ આ હાઈસ્કૂલને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2018માં ગાંધી મ્યુઝિયમમાં ફેરવવા નિર્ણય કર્યો હતો અને રૂપિયા 26 કરોડના ખર્ચે શાળાને ઇન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતર કરવામાં આવી છે. જેનું 30.09.2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન મ્યુઝિયમમાં મોટી સંખ્યમાં લોકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, 6 વર્ષમાં અહીં 3.16 લાખ જ મુલાકાતીઓ આવ્યા છે. આમાંથી શરૂઆતના એક વર્ષમાં જ 1.14 લાખથી વધુ મુલાકાત લીધી હતી. જ્યારે બાકીના 5 વર્ષમાં 2 લાખ જેટલા જ લોકો અહીં આવ્યા છે.
ગાંધી મ્યુઝિયમની અંદર પૂજ્ય બાપુની મોહનથી લઈ મહાત્મા સુધીની જીવન શૈલી પ્રતિપાત કરવામાં આવી છે. અત્યાર સુધી એટલે કે છેલ્લા 6 વર્ષમાં કુલ 1966 વિદેશીઓ મળી 3,16,827 મુલાકાતીઓએ ગાંધીજીની જીવન શૈલી વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન મ્યુઝિયમ પાછળ વર્ષે અંદાજિત 1.50 કરોડ ખર્ચે છે છતાં આ તોતિંગ ખર્ચ જે હેતુ માટે થયો તે ગાંધી વિચારના પ્રચારમાં એટલે કે અહીં મોટી સંખ્યામાં મુલાકાતીઓ લાવવામાં મ્યુનિનું તંત્ર નિષ્ફળ રહ્યું છે.
મ્યુઝિયમમાં મ્યુઝિકલ કિયોઝ, ઈન્ફોર્મેશનલ કિયોઝ, ગાંધીજી પર થ્રિડી ફિલ્મ, ગાંધીજી લિખિત પુસ્તકો, ઓડિયો વીડિયો ફિલ્મ લેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. મ્યુઝિયમમાં ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કરી પ્રથમ માળ સુધીના ભાગમાં કુલ 39 ગેલેરી તૈયાર કરવામાં આવી છે. જેમાં 20 ગેલેરી નીચે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેમજ 19 ગેલેરી ઉપરના પહેલા માળે આવેલી છે. આ સાથે જ અહીંયા 2 મોટા હોલ પણ મ્યુઝિયમની અંદર ઉપલબ્ધ છે. આ 39 ગેલેરી પૈકી 11 મોટી ગેલેરીમાં ગાંધીજીએ કરેલ સત્યાગ્રહની ઝાંખી કરાવવામાં આવી રહી છે. બીજી તરફ 20 મિનિટ સુધી થ્રિડી શો બતાવવામાં આવી રહ્યો છે જે ભારતનો સૌથી મોટો થ્રિડી મેપિંગ શો માનવામાં આવે છે.