- હાઇવે પર ગટરના પાણી ફરી વળ્યા
- પાણી જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ
- વહેલી તકે આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ
બાવળા: બાવળા તાલુકાના બગોદરા નેશનલ હાઇવે પર ગટરના પાણી ફરી વળ્યા હતા,જેથી પાણી જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે.ઘણા વર્ષોથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને નાના ભૂલકાંઓને પણ સ્કૂલે જતાં હોવાથી કીચડ અને દુર્ગંધમાંથી પસાર થવું પડે છે.
આ રોડ પરથી નેતાઑની પણ અવરજવર રહે છે તેમ છતાં તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.જેથી ગ્રામજનો અને વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે,વહેલી તકે આ સમસ્યાનો હલ કરવામાં આવે..
ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ગટરના પાણી આવી જતા કેટલાક લોકોને ચામડીના રોગની સમસ્યા પણ થતી હોય છે. લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં તો આવે છે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે.
હાલમાં જ રાજ્યને કોરોનાથી રાહત મળી છે પણ જો આ પ્રકારની સમસ્યા યથાવત રહી તો આ વિસ્તારના લોકો પાણીજન્ય રોગચાળાનો પણ શિકાર બની શકે છે. જેના માટે પણ છેલ્લે તો તંત્રને જ જવાબદાર ગણી શકે છે.