અમદાવાદઃ થર્ટીફસ્ટ ડિસેમ્બરને રવિવારનો દિવસ વર્ષ 2023ને વિદાય આપવાનો અને વર્ષ 2024ને આવકારવાનો દિવસ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના દિનથી કાંકરિયા લેક પરિસરમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું જેમાં આજે રવિવારે કાર્નિવલમાં મોજ માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા કાંકરિયા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. શહેરીજનોની ભારે ભીડમાં માતા-પિતા સાથે આવેલા કેટલાક બાળકો વિખૂટા પડી ગયા હતા. જોકે પોલીસે ભીડમાં વિખૂટા પડેલા ભાળકોને શોધીને તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલમાં થર્ટીફસ્ટના દિને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોના ધસારાના કારણે કાંકરિયાના ત્રણ ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ગેટ નંબર 1, 4 અને 5 બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે ગેટ નંબર 2, 3, 6 અને 7 ખુલ્લા રાખવામાં આવ્યા હતા. લોકોની ભારે ભીડને લીધે પરિવાર સાથે આવેલા બાળકોનું ખાસ ધ્યાન રાખવા વારંવાર અપિલ કરવામાં આવતી હતી. થર્ટીફસ્ટને રવિવારની સાંજે શહેરીજનોની એટલી બધી ભીડ ઉમટી હતી કે, કાંકરિયા પરિસરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. નાના બાળકોને માથે બેસાડીને લઈ જવા પડે એટલી ભીડ જોવા મળી હતી.
કાંકરિયા પરિસરમાં કાર્નિવલનો છેલ્લો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ગીત-સંગીત અને કાર્યક્રમો જોવા લોકો ઉમટી પડ્યા હતા. પુષ્પકુંજ ગેટ સ્ટેજ ખાતે બંકિમ પાઠકનો કાર્યક્રમ યોજાયો હતો. કાંકરિયા પરિસરમાં સાજે લોકોની ભીડ વધી ગઈ હતી. જેમાં 60થી વધુ બાળકો તેમના માતા – પિતાથી વિખૂટા પડી જતાં અમદાવાદ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા ખાસ કન્ટ્રોલરૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. જેને સહીસલામત પરત કરવામાં આવ્યા હતા. દર પાંચ મિનિટે એક બાળક કે વ્યકિત ખોવાતા હોવા અંગેની ફરિયાદ પોલીસના કન્ટ્રોલરૂમમાં મળી રહી છે. પોલીસ દ્વારા 5થી વધુ પાકીટ અને મોબાઇલ ચોરને પકડવામાં આવ્યા હતા.