અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનો અટલ ફૂટબ્રીજ આઈકોનિક છે. શનિવારે સાંજે અટલ ફુટબ્રીજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયા બાદ રવિવારે બ્રીજના નજારાને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. એક સમયે લોકોની એટલી બધી ભીડ વધી ગઈ કે લોકોના પ્રવેશ પર નિયંત્રણ મુકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલો અટલ ફૂટ ઓવરબ્રિજ રવિવારે લોકોની ભીડથી એટલો ભરાઈ ગયો છે કે પગ મૂકવાની જગ્યા પણ નથી. અટલ ફુટબ્રીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે સાંજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને રવિવારે વહેલી સવારથી જ ઓવરબ્રિજ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી રવિવાર સાંજ સુધીમાં 15 હજારથી વધુ મુલાકાતીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. રવિવાર હોવાથી સાંજે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ફૂટ ઓવરબ્રિજ ઉપર જવા માટે એટલી ભીડ થઈ ગઈ હતી કે એક સમયે લોકોની એન્ટ્રી પણ બંધ કરવી પડી હતી.
શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે અટલ ફુટ બ્રિજનું નિર્માણ કરાયુ છે. આ બ્રિજને દૂરથી જોતાં જ ત્યાં જવાનું મન થઈ જાય છે. આ બ્રિજનું સ્ટ્રક્ચર એવી રીતે તૈયાર કરાયું છે કે લોકોને પસંદ આવી જાય. 300 મીટરનો આ પુલ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. અહીં કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. આ બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. ફૂટ ઓવર બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. નાગરિકો માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની ગયો છે અટલ ફૂટ ઓવરબ્રિજ જોવા આવેલા લોકોએ વાતચિતમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારી જગ્યા છે. ફોટો લેવા સેલ્ફી માટેની ખૂબ જ સારી જગ્યા છે. અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. સાબરમતી નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજ ફરવા માટેની ખુબ જ સારી જગ્યા છે. યુવાઓને ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. અમદાવાદ માટે એક નવી અને સારી સેલ્ફી પોઇન્ટ લેવાની જગ્યા છે.