દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારત જ નહીં દુનિયાના વિવિધ દેશમાં લોકપ્રિય છે. તેમજ એક સર્વે અનુસાર ભારતમાં હાલ લોકસભાની ચૂંટણી થાય તો ફરીથી ભાજપની જીત થાય તેવા તારણો સામે આવ્યાં હતા. તેમજ આ સર્વે અનુસાર ફરીવાર નરેન્દ્ર મોદીને જ પ્રજા પીએમ જોવા માંગે છે. જો કે, નરેન્દ્ર મોદી બાદ પ્રજા પીએમ તરીકે યોગી આદિત્યનાથને જોવાનું પસંદ કરે છે.
એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન સર્વે કરવામાં આવ્યો હતો. 67 ટકા ગ્રામીણ અને 33 ટકા શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા સર્વેમાં ફરીવાર પીએમ તરીકે પ્રજાએ નરેન્દ્ર મોદીને પસંદ કર્યાં હતા. નરેન્દ્ર મોદી બાદ પીએમ તરીકે પ્રજા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોવાનું પસંદ કરે છે. 12232 લોકોમાં કરાયેલા સર્વે અનુસાર 38 ટકા લોકો નરેન્દ્ર મોદીને પીએમ તરીકે પસંદ કરે છે. જ્યારે 10 ટકા લોકો પીએમ તરીકે યોગી આદિત્યનાથ અને 8 ટકા લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પસંદ કરી રહ્યાં છે.
સર્વે અનુસાર 7 ટકા લોકો રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન તરીકે જોવાની ઇચ્છા રાખે છે. આ ઉપરાંત 5 ટકા લોકો અરવિંદ કેજરીવાલને પસંદ કરે છે. જ્યારે સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને 4-4 ટકા લોકોને પીએમની ખુરશી પર જોવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી અને ખેડૂત આંદોલનનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા હજુ દેશમાં ઘટી નથી. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી છે.