અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારી કૂદકે ને ભૂસકો વધતી જાય છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે, આથી લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. હાલમાં મગફળીની આવક અડધી છે, સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતાં કૃત્રિમ તેજી ઊભી થઈ છે. પરિણામે, લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ એની ઐતિહાસિક સપાટીએ છે. સરકારે નાફેડમાંથી સિંગનો જથ્થો છૂટો કરે તો જ ભાવમાં ઘટાડો થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દરેક પરિવારમાં દૂધ એ મહત્વની જરૂરિયાત છે. ત્યારે 9 દિવસ પહેલાં અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયા વધાર્યા હતા. નવા ભાવ પ્રમાણે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાજાનો ભાવ રૂ. 25 અને 500 મિ.લી. અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ.27 પ્રતિ લિટર છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાતાં વેચાણ કિંમતમાં ટકાવારીની દૃષ્ટિએ 4%નો વધારો સૂચવે છે. જોકે એ હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. જ્યારે પ્રાઈવેટ ડેરી ફાર્મમાં પણ દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધ્યો છે. ડેરી ફાર્મમાં એક લિટર દૂધનો ભાવ 46થી 70 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત રાંધણગેસના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હાલ રાંધણગેસનો ભાવ 1060થી લઈ 1072 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે ભલે ફુગાવો ઘટવા લાગ્યો હોય પરંતુ ખાદ્યપદાર્થોની કિંમતો રિટેલ માર્કેટમાં સતત વધી રહી છે. ખાદ્યતેલોમાં સિંગતેલમાં છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીને ક્રોસ થયો છે. તેજી પાછળનું મુખ્ય કારણ મગફળીનો સ્ટોક નથી, સતત વરસાદના કારણે નવી સિઝન લેટ થશે આ ઉપરાંત મહ્દઅંશે સંગ્રાહખોરી તેજીને વેગ આપી રહી હોવાનું કહેવાય છે. સિંગતેલની તેજી પાછળ સાઇડ તેલ જેમ કે કપાસિયા તેલનો ડબો પણ વધી 2600ની સપાટી કુદાવી ચૂક્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહીં હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે એવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નીવડી હતી. શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. વીજળીના બીલમાં પણ વધારો તોળાઈ રહ્યો છે. આમ તમામ વસ્તુઓ મોંધી બનતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. (file photo)