Site icon Revoi.in

અમદાવાદની RTO કચેરીમાં સર્વર ડાઉન થતાં ડ્રાઈવિંગ લાયસન્સ, ટેસ્ટ માટે લોકોને ધક્કો પડ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓનું મોટાભાગનું કામ ઓનલાઈન કરવામાં આવ્યુ છે. પરંતુ  આરટીઓ કચેરીઓમાં ટ્રાઈવિંગ ટેસ્ટ સહિતના કામો માટે અરજદારોએ રૂબરૂ આવવું પડે છે. ઘણીવાર આરટીઓ કચેરીનું સર્વર ધીમું ચાલે કે ઠપ થઈ જાય ત્યારે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદની આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થઈ જતાં અરજદારોને ધક્કો પડ્યો હતો. વારંવાર સર્વર ઠપ થતું હોવાથી સિસ્ટમ અપગ્રેડ કરીને સુધારો કરવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની આરટીઓ કચેરીમાં સારથી’ સર્વર ઠપ થતાં સોમવારે ડ્રાઈવિંગ ટેસ્ટ, રિન્યૂ, ડુપ્લિકેટ, ઇન્ટરનેશનલ લાઈસન્સના 3000 અરજદારોને ધક્કો પડ્યો હતો. આરટીઓ કચેરીમાં સર્વર ઠપની સમસ્યા સામાન્ય બની ગઇ છે. એક સપ્તાહમાં સર્વરની વારંવાર સમસ્યા થાય છે, કેટલીક વાર તો સર્વર જ બંધ થઇ જાય તો એકાદ કલાક સુધી કામગીરી બંધ થઇ જાય છે.  સોમવારે ડ્રાઇવિંગ ટેસ્ટ સહિત રિન્યૂ, ડુપ્લિકેટ, નામ-સરનામું સુધારણા, ઈન્ટરનેશનલ લાઈસન્સ મળી અંદાજે 3000 અરજદારોને પરત જવાનો વારો આવ્યો હતો. મોડી સાંજે સર્વર ચાલુ થયું હતું. પરંતુ કર્મચારીઓને કામગીરી કરવામાં સમસ્યા પડતી હતી. જોકે અરજદારો જતાં રહ્યા હોવાથી ગણતરીની જ અરજીઓનો જ નિકાલ થયો હતો. આરટીઓમાં ગયા પછી સર્વર બંધ હોવાની ખબર પડે છે. ચૂંટણી સમયે અન્ય રાજ્યના વાહનો આરટીઓમાં પાસિંગ માટે આવતા હોય ત્યારે ઝડપથી વાહનો પાસિંગ કરીને અરજીઓનો નિકાલ કરવાનો હોય છે, ત્યારે સુભાષબ્રિજ આરટીઓમાં એઆરટીઓ હાર્દિક પટેલ પોતાની ઓફિસને તાળું મારીને ચાલ્યા ગયા હતાં. તેમની પાસે ડબલ ચાર્જ હોવાથી બાવળા એઆરટીઓમાં પણ કામગીરી અટકી ગઇ હતી. માત્ર વસ્ત્રાલમાં કામગીરી થઈ હોવાનું કહેવાય છે.

અમદાવાદની આરટીઓ કચેરીનું નવું મકાન બની રહ્યું છે. અને હાલ ભાડાના મકાનમાં કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં અરજદારો માટેની કોઈ સુવિધા નથી. રોજબરોજ અનેક અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના કામ માટે આવી રહ્યા છે. પરંતુ કચેરીમાં ક્યાં જવું અને કોને મળવું તેની કોઈ માહિતી મળતી નથી.