અમદાવાદઃ ગુજરાતમાં આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યુ છે. હીટસ્ટ્રોકના અને ગરમીથી બિમારીને કેસો પણ વધતા જાય છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે શુક્રવારે તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી રહી છે. સવારના 10થી 11 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાકમાં જ 3 ડિગ્રી તાપમાન વધી ગયું હતુ. લઘુત્તમ તાપમાન પણ સરેરાશ વધુ રહેતુ હોવાથી રાત્રે પણ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગરમાં છેલ્લા પાંચ દિવસમાં શહેરી વિસ્તારમાં 50 થી વધુ નાગરિકો હિટ વેવની અસરનો ભોગ બની ચૂક્યા છે.
ગુજરાતમાં રેકર્ડબ્રેક તાપમાનને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગુરૂવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે આજે શુક્રવારે બપોરે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારે 45 ડિગ્રીને વટાવી ગયો હતો.અમદાવાદ શહેર રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલાં 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં બે શહેરોમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. તા. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે ગુજરાતમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે.