અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે. તમામ સોસાયટીઓને 80-20ની યોજનાનો લાભ આપવાની જાહેરાત પણ કરાવામાં આવી હતી પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. શહેરમાંથી માત્ર 16 જેટલી સોસાયટીઓ જ આ યોજનાનો લાભ લેવા માટે તૈયાર થઈ છે.
સૂત્રોના જણવ્યા મુજબ અમદાવાદ શહેરમાં અનેકવિધ કારણોસર ઊંડા ગયેલાં ભૂગર્ભજળનાં સ્તરને ઉંચા લાવવા માટે તેમજ સોસાયટીનાં વરસાદી પાણી સોસાયટીમાં જ રહે તેવા હેતુથી મ્યુનિ.એ સોસાયટીઓમાં ભૂગર્ભજળ સંચય થાય તેવા પરકોલેટીંગ વેલ બનાવવા જાહેર કરેલી 80-20ની યોજનાને લોકોની જાગરૂકતાનાં અભાવે મોળો પ્રતિસાદ સાંપડ્યો છે અને ચાર ઝોનમાંથી ફક્ત 16 જેટલી સોસાયટીઓ જ આ યોજનાનો લાભ લેવા આગળ આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેર અને ઔડા વિસ્તારોમાં ધમધોકાર વિકાસના કારણે તેમજ નદીનાં સરફેસ વોટરને પીવાનાં પાણી પહોંચાડવામાં વિલંબનાં કારણે મોટાભાગની સોસાયટીઓનાં રહીશો બોરવેલનાં પાણી ઉપર આધારિત બન્યા હતા. વર્ષો સુધી હજારો બોરવેલથી ભૂગર્ભજળ ઉલેચવામાં આવતાં ભૂગર્ભજળનાં સ્તર ઊંડા ઉતરી ગયાં છે અને હવે તો બોરવેલમાં પાણી એટલી હદે ક્ષારવાળુ આવે છે કે, તેને સીધેસીધુ પી શકાય તેમ નથી. જોકે વર્ષો બાદ મ્યુનિ. અને ઔડા વિસ્તારોમાં નર્મદાનાં નીર પહોંચ્યા છે, પરંતુ હજુ પણ તમામ સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળતુ હોવાથી સોસાયટીઓમાં બોરવેલ ચાલુ રાખવાની ફરજ પડે છે. જેના કારણે ભૂગર્ભજળ ઉલેચાવાનુ જારી છે.બીજી બાજુ ભૂગર્ભજળનાં સ્તરમાં વધારો થાય તે માટે તળાવોને ડેવલપ કરવામાં આવ્યા પરંતુ વરસાદની અનિયમિતતા તથા વરસાદી પાણીનો તળાવમાં જ નિકાલ થાય તેવી 100 ટકા સિસ્ટમ હજુ સુધી ગોઠવાઇ નથી અને લાખો લિટર વરસાદી પાણી ગટરમાંથી નદીમાં વહી જાય છે. જોકે ભૂગર્ભજળનાં સ્તર ઊંડા જતાં વનરાજી સહિત પર્યાવરણને થઇ રહેલી અસરને હવે ગંભીરતાથી લઇને મ્યુનિ.એ કેન્દ્ર અને રાજય સરકારનાં જળસંચય અભિયાનને આગળ ધપાવતાં શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણીનાં ભૂગર્ભમાં સંચય થાય તેવા હેતુથી જુન મહિનામાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) ધોરણે 80-20ની યોજના જાહેર કરી હતી. જેમાં 80ટકા ખર્ચ મ્યુનિ. અને 20 ટકા જ ખર્ચ સોસાયટીએ ભોગવવાનો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ યોજના જાહેર થયાને ત્રણ મહિના વીતી ગયાં છતાં ચાર ઝોનમાંથી ફક્ત 16 જેટલી સોસાયટીઓ જ આગળ આવી છે. જેમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની 10 સોસાયટીનો સમાવેશ થાય છે. મ્યુનિ.નાં સાતેય ઝોનમાં હજારોની સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે, આ તમામ સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવામાં આવે તો લાખો લિટર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને લાંબાગાળે ભૂગર્ભજળ ઉંચા આવે તેમજ સોસાયટીઓની આસપાસની જમીનમાં ભેજનુ પ્રમાણ વધે, જેનાથી વૃક્ષો અને વનરાજીને ફાયદો થાય તેમ છે.
આ યોજનાને મળેલા સાવ મોળા પ્રતિસાદ અંગે મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, યોજના જાહેર થઇ ત્યારે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વોર્ડ વિસ્તારની સોસાયટીઓને આ યોજનાનો લાભ લેવા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ વર્તમાન ટર્મનાં નવાસવા કોર્પોરેટરો પાસે ઉમદા હેતુવાળી યોજનાનો પ્રચાર પ્રસાર કરવા સોસાયટીઓમાં જઇ સમજાવવાનો સમય નથી. બીજી બાજુ મ્યુનિ.તંત્ર દ્વારા પણ આ યોજના અંગે યોગ્ય રીતે પ્રચાર કરવામાં આવ્યો નથી.