Site icon Revoi.in

નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સમાં પણ ગરબાની મંજુરી આપવા સ્ટેજ કલાકારોની રજુઆત

Social Share

અમદાવાદ: નવરાત્રીના નવલા દિવસને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે શેરી ગરબા અને સોસાયટીઓમાં યોજાતા ગરબામાં 400 લોકોની મર્યાદા સાથે છૂટછાટ આપી છે. આ વર્ષે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજવાની સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્ટેજ કલાકારો પાર્ટી પ્લોટ્સને મંજુરી આપવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કલાકારો, પાર્ટી પ્લોટ ધારકો, ટેક્નિકલ અને ડેકોરેશનના કામ સાથે સંકળાયેલા લોકોએ રજૂઆત કરી હતી. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ ભાજપ પ્રદેશના સાંસ્કૃતિક સેલના કન્વીનર તેમજ સહ કન્વીનર જનક ઠક્કર,  અને અરવિંદ વેગડા સહિત અન્ય કલાકારોએ રજૂઆત કરી હતી.

જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે 400 લોકોની મર્યાદા સાથે અમે પાર્ટી પ્લોટ અને ક્લબમાં પણ ગરબાના આયોજન માટે રજુઆત કરી છે. વેકસીનના બે ડોઝ લીધા હશે એમને જ પ્રવેશ મળે એ શરત સાથે અમે પણ તૈયાર છીએ. જો અમારી રજૂઆત મુજબ મંજૂરી નથી મળતી તો અનેક કલાકારોને આર્થિક નુકસાન ઉઠાવવાનો વારો આવશે. છેલ્લા દોઢ વર્ષથી કલાકારોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરી ગરબા સોસાયટીઓમાં થાય છે, જેમાં એક લિમિટ કરતા વધુનો ખર્ચ શક્ય હોતો નથી. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં જો છૂટ મળશે તો ખુલ્લામાં ગરબાનું આયોજન થશે અને તમામ ખેલૈયાઓ માટે વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખવું ફરજીયાત કરીશું. પરંતુ સરકાર જો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની પરવાનગી એકાદ દિવસમાં આપે તો જ આયોજન શક્ય બની શકશે.

અરવિંદ વેગડાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી રજૂઆત હકારાત્મક રીતે સાંભળવામાં આવી છે, હજારો કલાકારોના હિતમાં સરકાર નિર્ણય લેશે એવો પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રિમાં ગરબાના આયોજન માટે 400 લોકોની મર્યાદા સાથે માત્ર શેરી ગરબાને જ અપાઈ છે પરવાનગી, ત્યારે શેરી ગરબા બાદ હવે પાર્ટી પ્લોટમાં પણ 400 લોકોની મર્યાદા સાથે ગરબાના આયોજનની માગણી કરાઈ છે. (file photo)