નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશમાં બાળ લગ્નના વધતા જતા મામલાઓને લગતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. 10મી જુલાઈએ સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ પિટિશન સોસાયટી ફોર એનલાઈટનમેન્ટ એન્ડ વોલન્ટરી એક્શન દ્વારા 2017માં દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચે દેશમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદાના અસરકારક અમલીકરણ માટે ઘણી માર્ગદર્શિકા પણ જારી કરી હતી. નિર્ણય વાંચતી વખતે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, બાળવિવાહને અટકાવવાના કાયદાને પર્સનલ લો મારફતે પ્રભાવિત ના કરી શકાય.
ચીફ જસ્ટિસે કહ્યું કે આવા લગ્ન સગીરોની જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન છે. બેન્ચે કહ્યું કે, સત્તાવાળાઓએ બાળ લગ્ન અટકાવવા અને સગીરોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અંતિમ ઉપાય તરીકે ઉલ્લંઘન કરનારાઓને સજા કરવી જોઈએ. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદામાં કેટલીક ખામીઓ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 બાળ લગ્ન અટકાવવા અને તેની નાબૂદી સુનિશ્ચિત કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન નિષેધ કાયદાનું સ્થાન લે છે.
બાળ લગ્ન પર નિયંત્રણ અંગે સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, બાળ લગ્ન રોકવા સંબંધિત તમામ વિભાગના લોકોને વિશેષ તાલીમની જરૂર છે. દરેક સમુદાય માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. શિક્ષાત્મક પદ્ધતિઓ દ્વારા સફળતા પ્રાપ્ત થતી નથી. સમાજની પરિસ્થિતિ સમજીને વ્યૂહરચના બનાવવી જોઈએ. બાળ લગ્ન નિષેધ કાયદાને પર્સનલ લોથી ઉપર રાખવાનો મુદ્દો સંસદીય સમિતિમાં પેન્ડિંગ છે. એટલા માટે કોર્ટ તેના પર ટિપ્પણી કરી રહી નથી, પરંતુ એ વાત સાચી છે કે વહેલા લગ્ન લોકોને તેમની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાના અધિકારથી વંચિત રાખે છે.