પાટડીના જૈનાબાદનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવાની હિલચાલ સામે આવેદનપત્ર અપાયું
સુરેન્દ્રનગરઃ પાટડીના જૈનાબાદમાં ફાળવાયેલું પ્રાથમિક કેન્દ્ર ખસેડીને વડગામ લઇ જવાની હિલચાલથી સ્થાનિક લોકોમાં અસંતોષ ઊભો થયો છે.. નાગરિકોએ રેલી સાથે પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.
જૈનાબાદ ગામના લોકોના કહેવા મુજબ પાટડીના દસાડા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય અને સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે એક જ ગામમાં બે સામુહિક આરોગ્ય કેન્દ્રો થતાં હોવાથી 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્થળ ફેરફાર કરવા કમિશ્નર આરોગ્ય તબીબ સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જે અન્વયે દસાડા તાલુકાના દસાડા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જૈનાબાદ ખાતે સ્થળ ફેરફાર કરવા ઠરાવ કરાતા મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય મંત્રી દ્વારા તા. 28/4/22ના રોજ ફાઇલ પર નોંધથી અનુમતિ અન્વયે ઉપરોક્ત સંદર્ભે ઠરાવ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જે અન્વયે દસાડા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જૈનાબાદને બદલે વડગામ ખાતે સ્થળ મંજુરી આપવામાં આવી હતી.
જૈનાબાદના ગ્રામજનોનું કહેવું છે. કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર દસાડા પણ વડગામથી માત્ર 7 કી.મી.ના અંતરે આવેલુ છે. જ્યારે જૈનાબાદ ગામ સાથે ચીકાસર, મીઠાઘોડા, મુલાડા, અહેમદગઢ અને નગવાડા વગેરે ગામોની કનેક્ટિવિટી હોય અને અહીં પ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે, તહેવારોમાં અહીં માનવ મહેરામણ ઉમટતો હોવાથી જૈનાબાદ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખુબ જ જરૂર છે.
પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, દસાડા ખાતેથી ખસેડાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વડગામ તબદીલ નહીં કરતા જૈનાબાદ ખાતે તબદીલ કરવામાં આવે તેવી માંગણી પ્રાંત અધિકારીને કરવામાં આવી છે. જૈનાબાદ અને આસપાસના ગામડાંના 200થી 300 ગ્રામજનો દ્વારા પાટડી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને બાદમાં પાટડી ચોકડીથી સેવા સદન ખાતે સૂત્રોચ્ચારો અને હલ્લાબોલ સાથે રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.