નવી દિલ્હીઃ સુપ્રસિધ્ધ યાત્રાધામ રામ સેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગ ફરી સુપ્રીમ કોર્ટમાં ઉઠી છે. આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી અભિપ્રાય માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગીને આગામી સુનાવણીની તારીખ 9 માર્ચ સુધી મુલત્વી રાખી છે. સ્વામીએ અગાઉ 2020 માં રામ સેતુને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવા માટેની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. ત્યારે કોર્ટે પછીથી વિચારવાનું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે તે સમયે કેન્દ્ર સરકારને આ મામલે સોગંદનામું દાખલ કરવા પણ કહ્યું હતું. કે સુબ્રમણ્યમ સ્વામીએ 2018માં સુપ્રીમ કોર્ટમાં આ અરજી આપી હતી. તેમણે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરી હતી.
હિંદુ ગ્રંથ ‘રામાયણ’ અનુસાર “વાનર સેના” એ રામને લંકા પાર કરવામાં અને સીતાને બચાવવા માટે સમુદ્ર પર પુલ બનાવ્યો હતો. ચૂનાના પત્થરોની 48 કિમીની સાંકળ રામાયણ સાથે સંકળાયેલી છે. તે માનવસર્જિત હોવાના દાવા કરાય છે. રામાયણનો સમય પુરાતત્વવિદો અને વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય છે. રામ સેતુ અને તેની આસપાસના વિસ્તારની પ્રકૃતિ અને રચનાને સમજવા માટે પાણીની અંદર પુરાતત્વીય અભ્યાસ હાથ ધરવાનો પ્રસ્તાવ છે.