Site icon Revoi.in

દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી

(નીતિન ગડકરી)

(નીતિન ગડકરી)

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે તેમણે કહ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં દેશમાંથી પેટ્રોલ ખતમ થઈ જશે. તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે.

નીતિન ગડકરી અકોલામાં ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના 36માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટર ઓફ સાયન્સ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગડકરીએ કહ્યું કે, હવે વિદર્ભમાં બનેલા બાયો-ઇથેનોલનો ઉપયોગ વાહનોમાં થઈ રહ્યો છે. કૂવાના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવી શકાય છે અને તેને રૂ. 70 પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે. ગડકરીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોઈ પણ ખેડૂત માત્ર ઘઉં, ચોખા, મકાઈનું વાવેતર કરીને પોતાનું ભવિષ્ય બદલી શકતો નથી. ગડકરીએ કહ્યું કે ખેડૂતોએ માત્ર ખાદ્યપદાર્થો નહીં પરંતુ ઉર્જા પ્રદાતા બનવાની જરૂર છે.

ગડકરીએ કહ્યું કે ઇથેનોલ પરના નિર્ણયથી દેશના 20,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. નજીકના ભવિષ્યમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ અને સીએનજી પર આધારિત હશે. તેમણે એમ પણ કહ્યું કે વિદર્ભથી બાંગ્લાદેશમાં કપાસની નિકાસ કરવાની યોજના છે, જેમાં યુનિવર્સિટીઓના સહકારની જરૂર છે. વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે યુનિવર્સિટી ઘણું કરી શકે છે.