- પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા
- સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો ઝિંકાયો
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભળકે બળી રહ્યા છે, સરકારી ઓઇલ કંપનીઓ તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો ઝિંકવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે. ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે તે કહેવું કંઈ ખોટૂ નથી.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.54 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.27 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.44 રૂપિયા અને ડીઝલની કિંમત 103.26 રૂપિયા પ્રતિ લીટર જોવા મળે છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.38 રૂપિયા પ્રતિ લીટર જોવા મળે છે,ચેન્નઈમાં, પેટ્રોલ 103.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 99.59 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે, રસીકરણ સાથે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થામાં ગતિવિધિઓને કારણે માંગ વધી છે, આંતરરાષ્ટ્રીય ધોરણ બ્રેન્ટ ક્રૂડ હવે $ 84 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તેનાથી ઈંધણ મોંઘુ થયું છે અને ફુગાવાનો ભય વધી ગયો છે.
આસમગ્ર બાબતને લઈને ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું હતું કે 2020 માં જૂન ક્વાર્ટરમાં ભારતનું તેલ આયાત બિલ 8.8 અબજ ડોલર હતું. વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો થવાને કારણે તે હવે $ 24 અબજ સુધી પહોંચી ગયું છે.
દેશના એવા શહેરો કે જ્યા 100થી પાર થયા પેટ્રોલના ભાવ
ઉલ્લેખનીય છે કે દેશના મહાનગરોમાં પેટ્રોલના ભાવ 100ને પાર પહોચી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.