1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલ-ડીઝલનો ભાવ પરવડતો નથી, મધ્યમ વર્ગ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યો
પેટ્રોલ-ડીઝલનો ભાવ પરવડતો નથી, મધ્યમ વર્ગ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યો

પેટ્રોલ-ડીઝલનો ભાવ પરવડતો નથી, મધ્યમ વર્ગ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યો

0
Social Share

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ વધારો કમર ભાંગી નાંખે તેવો છે. મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ હાલત સૌથી વધુ કફોડા બની છે. હવે લોકો પોતાના બાઈક કે સ્કુટરને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. સરકારી પરિવહનનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે એક જ મહિનામાં મ્યુનિ. બસની આવકમાં વધારો થયો છે. જોકે, એક તરફ લોકો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વધ્યા છે, અમદાવાદમાં પણ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ ભરચક ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકો જાહેર પરિવહન તરફ વળ્યાં છે. છેલ્લા એક મહિનામાં જ AMTS અને BRTS ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.  જોકે શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસની પુરતી બસ સેવા ન હોવાથી લોકોને રાહ જોવી પડે છે. નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ જાહેર પરિવહન માટે શહેરની દર 1000 વ્યક્તિઓ વચ્ચે 1 બસ હોવી જોઈએ. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં 6 હજાર બસ હોવી જોઈએ. પણ હાલ AMTS ની 750 અને BRTS ની 350 એમ કુલ 1100 જ બસ છે. સ્થિતિ એ છે કે, પીકઅવર્સમાં ભારે ભીડ વચ્ચે લોકોએ પરિવહન કરવું પડી રહ્યું છે. મુસાફરોએ જણાવ્યું કે, તેમને ઓછી બસમાં મુસાફરી કરવામાં તકલીફ પડે છે. ઓછી બસ હોવાથી લાંબા સમય સુધી બસની રાહ જોવી પડે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં AMTS બસની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં BRTS બસમાં અગાઉ 1 લાખ 45 હજાર દૈનિક મુસાફરો મુસાફરી કરતા હતા, જે આંકડો પેટ્રોલ ડીઝલના કારણે વધતા હવે દૈનિક 1 લાખ 67 હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ જ સ્થિતિ AMTS બસમાં છે. જ્યાં અગાઉ દૈનિક બસમાં સવા 3 લાખ લોકો દૈનિક મુસાફરી કરતા હતા, આજે આ આંકડો એક જ મહિનામાં વધીને 4 લાખથી પણ વધુ થયો છે. જે બતાવે છે કે, મોંઘવારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code