પેટ્રોલ-ડિઝલની અછત પર ટ્રાન્સપોર્ટરો એ વ્યક્ત કરી ચિંતા – કહ્યું પેટ્રોલ-ડીઝલના અભાવથી સર્જાય શકે છે મુશ્કેલીઓ
- પેટ્રોલ-ડિઝલની અછતથી દેશમાં સર્જાય શકે મુશ્કેલી
- આ બાબતે ટ્રાન્સપોર્ટરોની ચેતવણી
દિલ્હીઃ- દેશના ઘમા રાજ્યોમાં છેલ્લા ઘમા સમયથી અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાની બાબતો સામે આવી છે,આ સાથે જ કેટલીક જગ્યાઓ એ પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે બીજા પેટ્રોલ પંપો પર લાંબી લાઈન જોવા મળે છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની કોર કમિટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રમુખ બાલ મલકિત સિંહે આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં ઈંધણની અછત પુરવઠાને ગંભીર અસર કરી શકે છે.
પેટ્રોલના અભાવને લઈને કહ્યું કે અમને પેટ્રોલ પંપ પર ડીઝલના ઓછા પુરવઠા અંગે પરિવહન મંડળ તરફથી સતત રિપોર્ટસ મળી રહ્યા છે. તે જ સમયે, મધ્યપ્રદેશમાંથી એવા અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એસોસિએશનોએ પેટ્રોલ પંપ પર ઓઈલની અછતને લઈને અવાજ ઉઠાવ્યો છે. જો કે, ઈન્ડિયન ઓઈલના ટોચના અધિકારીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે.
દેશભરના લાખો ટ્રક ઓપરેટરોના સંગઠન AIMTCના સભ્ય એ પણ જણાવ્યું કે અમે આ મામલો તાત્કાલિક પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ડીઝલનો ઓછો પુરવઠો પરિસ્થિતિને ખતરનાક બનાવી શકે છે, કારણ કે તે સપ્લાય ચેઇન પર સીધી પ્રતિકૂળ અસર કરશે.
તેમણે કહ્યું કે દુર્ગમ વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર બહુ મોડું થાય તે પહેલાં જરૂરી પગલાં લેશે જેથી સપ્લાય ચેઇન અકબંધ રહે.પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં અઘોષિત ઘટાડો સંકટને વધુ ઘેરી બનાવી શકે છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધા બાદ ઓઈલ કંપનીઓએ સપ્લાયમાં ઘટાડો કર્યો છે. જો સપ્લાય સારી નહીં રહે તો આગામી થોડા દિવસો બાદ સ્થિતિ ગંભીર બની શકે છે.