Site icon Revoi.in

પંજાબમાં પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે, ‘આપ’ સરકારે વેટમાં કર્યો વધારો

Social Share

નવી દિલ્હીઃ પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવામાં આવ્યો છે. પેટ્રોલ પર વેટમાં 61 પૈસા અને ડીઝલ પર 92 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પંજાબ કેબિનેટની બેઠક બાદ નાણાં મંત્રી હરપાલ ચીમાએ આ અંગે માહિતી આપી હતી. ચીમાએ કહ્યું કે, વેટ વધારવાથી ડીઝલ પર 395 કરોડ રૂપિયા અને પેટ્રોલ પર 150 કરોડ રૂપિયાની આવક થશે. તેમણે એમ પણ કહ્યું કે, હિમાચલ, રાજસ્થાન અને હરિયાણા કરતાં પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઓછો છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સરકારે સાત કિલો વોટ સુધીના વીજળી કનેક્શન પર અત્યાર સુધી મળતી સબસિડી નાબૂદ કરી દીધી છે.

નાણાં મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે, અગાઉ માલસામાનનો વેપાર કરનારાઓ પાસેથી ત્રિમાસિક ટેક્સ વસૂલવામાં આવતો હતો. હવે એક વર્ષનો કલેક્ટ ટેક્સ લેવામાં આવશે. જે લોકો ચાર વર્ષ માટે ટેક્સ જમા કરાવશે તેમને ટેક્સમાં 10 ટકા છૂટ આપવામાં આવશે. નવા વાહનો પર આઠ વર્ષ માટે 20 ટકા ટેક્સ ઘટાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં ખેતી નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ નીતિ અંતર્ગત ભૂગર્ભ જળ સ્તર અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં પાણીનું સ્તર ઘણું નીચે ગયું છે. આ માટે કેનાલના પાણીને મુખ્ય વિકલ્પ બનાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે પંજાબમાં પણ શિક્ષણ નીતિ લાવવામાં આવશે. રાજ્યમાં કૌશલ્ય અને ટેકનિકલ આધારિત શિક્ષણ નીતિ લાવવામાં આવશે. એજ્યુકેશન નિષ્ણાતોના સહયોગથી પોલિસી તૈયાર કરવામાં આવશે. સ્કૂલ ઓફ એમિનન્સમાં પ્રવેશ માટે બે લાખ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.