ભાવનગરઃ રાજ્યના 8 મહાનગરોમાં ભાવનગર શહેરમાં આજે સૌ પ્રથમ સાદા પેટ્રોલના એક લીટરનો ભાવ રૂા.100ને વટી ગયો છે. જેથી મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ત્યારે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાતા પૂર્વે જ પોલીસ બાધારૂપ બની હતી અને મોદીના પ્રતીકાત્મક બનાવેલ આ પૂતળાની પણ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસની ખેંચતાણ વચ્ચે આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં પણ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ ની સાથે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. સામાન્ય માણસોને જીવન જીવવું દોહ્યલું બની ગયું છે. પેટ્રોલ ડીઝલનો ભાવ સેન્ચ્યુરીએ પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલનો ભાવ 100 એ આંબતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઘોઘાગેટ ચોક ખાતે અને મોદીનું સન્માન, આતશબાજી તેમજ મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ કાર્યક્રમ યોજાય તે પૂર્વે જ પોલીસ આવી પહોંચી હતી. સન્માન માટે બનાવેલા મોદીના પૂતળાની કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણ થઈ હતી. તેમજ ફટાકડા ફોડવા બાબતે કોંગ્રેસના આગેવાનો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે ભારે રકઝક થઈ હતી. આતશબાજી માટે લાવેલા ફટાકડા પણ પોલીસે ઝૂંટવી લેતાં થોડા ઘણા ફટાકડા કાર્યકરોએ ફોડ્યા હતા.
ભાજપ સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પરંતુ તેમની પાસે રહેલા પ્લે કાર્ડ નહીં લેતા પોલીસ સ્ટેશને પણ કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ કારણ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યા હતો.