પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે,નીતિન ગડકરીની નવી ફોર્મ્યુલા- કહ્યું કેવી રીતે શક્ય બનશે
દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવું નિવેદન આપ્યું છે, જેના પર લોકો આશ્ચર્યની સાથે ખુશ પણ છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જો 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી શકે છે. આનાથી પ્રદૂષણ પણ સમાપ્ત થશે. તેની સાથે ઈંધણની આયાતમાં પણ ઘટાડો થઈ શકે છે.
નીતિન ગડકરીએ કહ્યું, ‘ખેડૂત હવે માત્ર ખાદ્ય પ્રદાતા જ નહીં, પરંતુ ઊર્જા પ્રદાતા પણ બનશે. હું ઓગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીના વાહનો લોન્ચ કરી રહ્યો છું. આ તમામ વાહનો ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇથેનોલ પર ચાલશે. 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળી, જો તેની સરેરાશ પકડવામાં આવે તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે.
તેમણે કહ્યું કે જ્યારે વાહનો ઇથેનોલ પર ચાલશે ત્યારે ઓછા ખર્ચના કારણે જનતાને ફાયદો થશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. આ સાથે દેશને પણ ફાયદો થશે. અત્યારે ઈંધણની આયાત 16 લાખ કરોડ રૂપિયાની છે, જો તેને ઈથેનોલનો ઉપયોગ કરીને ઘટાડી શકાય તો આ પૈસા વિદેશ મોકલવાને બદલે ખેડૂતોના ઘરે જશે. ખેડૂતો પણ ખુશ થશે.વાસ્તવમાં, આવતા મહિને નીતિન ગડકરી ટોયોટા કંપનીની ઈનોવા કાર લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં 100 ટકા ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન હશે અને તે 100 ટકા ઈથેનોલ પર ચાલશે.
વાસ્તવમાં, શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે, અને ભારતમાં શેરડીના લાખો ખેડૂતો છે, જેમની આજીવિકા આ જ છે. તેમણે કહ્યું કે આજે ખેડૂતો ઇથેનોલ અને સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને માત્ર અન્ન પ્રદાતા જ નથી પરંતુ ઉર્જા પ્રદાતા પણ છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દેશમાં ટુ-વ્હીલરથી લઈને તમામ પ્રકારના વાહનો ઈથેનોલ પર ચાલશે.