નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા‘ (PFI) પર કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલના આદેશ સામે પીએફઆઈ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરે તે યોગ્ય રહેશે. પીએફઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કોર્ટના મત સાથે સહમત થયા કે સંસ્થાએ પહેલા હાઈકોર્ટ અને પછી સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવો જોઈતો હતો. આ પછી બેન્ચે અરજી ફગાવી દીધી, પરંતુ PFIને હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી. તેની અરજીમાં, પીએફઆઈએ યુએપીએ ટ્રિબ્યુનલના 21 માર્ચના આદેશને પડકાર્યો હતો જેમાં તેણે કેન્દ્રના 27 સપ્ટેમ્બર, 2022ના નિર્ણયની પુષ્ટિ કરી હતી. કેન્દ્ર સરકારે ઇસ્લામિક સ્ટેટ (ISIS) જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે કથિત સંબંધો અને દેશમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાના પ્રયાસો માટે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.
દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે મોદી સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં ભારતીય આર્મી, એનઆઈએ અને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને દેશદ્રોહીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. એનઆઈએ દ્વારા અગાઉ પીએફઆઈ સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓના ઘરે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. એટલું જ નહીં કેટલાક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્કના મહત્વાના પુરાવા મળી આવ્યાં હતા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.