રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે જ વીજ ફોલ્ટને લગતી ફરિયાદોમાં વધારો થયો છે. વીજ તંત્રના કસ્ટમર કોલ સેન્ટરમાં ફોન કરવા છતાં ફોન સતત વ્યસ્ત અથવા તો રિસીવ ન થતો હોવાની અનેક ફરિયાદો થતી હોય છે. ચોમાસામાં આ વ્યવસ્થા સુધારવાના બદલે હવે ચોમાસુ પૂરું થવાને સપ્તાહની વાર છે ત્યારે પીજીવીસીએલ દ્વારા 12 જિલ્લાઓને આવરી લેતા નવા ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવતાં વીજ સમસ્યા દુર થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન વીજ ફોલ્ટની અનેક ફરિયાદો આવતી હોય છે. પણ અત્યાર સુધી ફરિયાદોના નિરાકરણ માટે સુચારૂ વ્યવસ્થા ન હોવાને કારણે ફરિયાદોનો ઉકેલ આવતો નહતો. પીજીવીસીએલ દ્વારા આવેલા ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રમાં 66 કર્મચારીઓ રહેશે. જેમાં 48 જુનિયર આસિસ્ટન્ટ, 16 જુનિયર ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે. અગાઉ પ્રાઇવેટ કંપનીને 3 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસા દરમ્યાન ગ્રાહકો દ્વારા ફોન રિસીવ ન થતો હોવાની સતત ફરિયાદને લીધે હવે આ ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર વીજતંત્રે પોતાના હસ્તક લઈ લીધું છે. આ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરિયાદ નોંધીને સંબંધિત વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરવામાં આવશે. રજૂઆતકર્તાં સાથે ફરિયાદ અંગે વાતચીત કરી ફોલ્ટ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ પણ પ્રકારની વીજ ફોલ્ટની ફરિયાદ માટે ગ્રાહકો ટોલ ફ્રી નંબર 19122 તથા 1800 233 155333 તથા વોટ્સએપ નંબર 95120 19122 પર ફરિયાદ નોંધાવી શકશે.