રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગામેગામ વીજચોરીનું દુષણ હોવાથી વીજલાઈન લોસમાં વધારો થઈ રહ્યો છે, જેના લીધે વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી રહી છે, ત્યારે વીજચોરો સામેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે ફરી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ રૂરલ ડિવિઝન હેઠળ તેમજ સુરેન્દ્રનગર અને જામનગર ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 136 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ગત સપ્તાહમાં સૌરાષ્ટ્રમાંથી PGVCLએ 1.70 કરોડની વીજચોરી ઝડપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા એક સપ્તાહ બાદ આજે ફરી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી રાજકોટ રૂરલ અંતર્ગત ગોંડલ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આજે વહેલી સવારથી અલગ અલગ 44 ટીમ દ્વારા ગોંડલ ટાઉન, ગોંડલ રૂરલ 1 અને ગોંડલ રૂરલ 2 સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં 13 ગામોને આવરી લઇ વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 KVના 6 ફીડરો આવરી લેવામાં આવ્યા હતા. આ વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, SRP જવાન તેમજ 5 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્યની સાથોસાથ આજે જામનગર અને સુરેન્દ્રનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર સર્કલ અંતર્ગત દરબારગઢ, ખારગેટ અને નગર સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 37 ટિમ, જ્યારે સુરેન્દ્રનગર સર્કલ હેઠળ આવતા ધ્રાંગધ્રા ટાઉન, ધ્રાંગધ્રા રૂરલ, પાટડી અને બાવલી સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 35 ટીમ દ્વારા દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલી વીજ ચોરી પકડી પાડવામાં આવી તેના આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી.સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહ દરમિયાન PGVCL દ્વારા 6000થી વધુ વીજ કનેક્શન ચેક કરી 800 જેટલા ક્નેક્શનમાંથી 1.70 કરોડની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી. સાંજ સુધી પડાયેલા દરોડામાં લાખોની વીજચોરી ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે.