Site icon Revoi.in

રાજકોટમાં વીજચોરી સામે PGVCLના દરોડા, 67 કનેક્શનોમાં લાખોની ચોરી પકડાઈ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં સૌથી વધુ વીજચોરીનું દુષણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા વીજચોરી રોકવા માટે સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 67 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 12 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ  દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 1 હેઠળ કોઠારીયા, મોરબી રોડ, પ્રહલાદપ્લોટ અને આજી ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 33 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 67 ક્નેક્શનમાંથી કુલ 12.03 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટના શહેરી વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા પીજીવીસીએલ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકીંગ ડ્રાઈવ ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ રાખી સોમવારે રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ-અલગ 33 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે ફરી વહેલી સવારથી સીટી ડિવિઝન-1 હેઠળ આવતા આંબેડકરનગર, રામનાથપરા, હાથીખાના, ભવાનીનગર, મહાત્મા ગાંધી સોસાયટી સહિત 20 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ 3 વીડિયોગ્રાફર, 13 SRP મેન, 9 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટી ડિવિઝન-1 હેઠળ વિસ્તારોમાં 33 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ 738 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 67 ક્નેક્શનમાંથી 12.03 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં ગત ઓક્ટોબર મહિનામાં 10,700થી વધુ વીજ કનેક્શન ચેક કરી 1189 ક્નેક્શનમાંથી 3.79 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે છેલ્લા 7 મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં 9,914 કનેકશનમાં ગેરરીતિ સાથે રૂ.26 કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ છે. (File photo)