રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું વધુ દુષણ જોવા મળી રહ્યું છે. અને તેથી પીજીવીસીએલને લાઈન લોસ વધી રહ્યો છે. આથી દિવાળી બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરીવાર ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના સીટી સર્કલ ડિવિઝન-1 હેઠળ મોરબી રોડ અને આજી-1, 2 તેમજ ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ-અલગ 30 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 685 કનેક્શન ચેક કરી 18.21 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
રાજય સરકારની માલિકીની વીજ કંપની પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દર મહિને કરવામાં આવતી ચેકીંગ ડ્રાઈવ નવેમ્બર મહિનામાં પણ ચાલુ રાખી છે. સોમવારથી રાજકોટના શહેરી વિસ્તારમાં વહેલી સવારથી અલગ-અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીટી ડિવિઝન-1 હેઠળ આવતા ગાયત્રી પાર્ક, મોરબી રોડ, સેટેલાઇટ પાર્ક, અમરનગર, રાજારામ સોસાયટી સહીત 15 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ 5 ફીડરો આવરી લેવામાં આવ્યા હતા. ચેકીંગ ડ્રાઇવમાં કુલ 3 વિડીયો ગ્રાફર, 7 SRP મેનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હજુ 30મી નવેમ્બર સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ સીટી ડિવિઝન-1 હેઠળના વિસ્તારોમાં 30 જેટલી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી કુલ 685 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 67 ક્નેક્શનમાંથી 18.21 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. (file photo)