Site icon Revoi.in

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં PGVCLના દરોડા, 184.82 લાખની વીજચોરી પકડાઈ

Social Share

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું દૂષણ વધુ જોવા મળી રહ્યું છે. સરકારની માલીકીની વીજ કંપની પીજીવીસીએલને કરોડો રૂપિયાનો લાઈનલોસ થઈ રહ્યો છે. ત્યારે વીજચારી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ દિવસમાં લાખોની વીજચોરી ઝડપાઇ હતી. વીજ ચોરી કરનાર તમામ કનેક્શન ધારકો સામે પીજીવીસીએલએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો ચેકિંગ માટે ઉતરી હતી. દૈનિક 30થી 35 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.તારીખ 18થી 23 ડિસેમ્બરના સમયગાળામાં પોલીસ પ્રોટેક્શન તથા એસઆરપી જવાનોના બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ કરતાં કુલ રૂપિયા 184.82 લાખની વીજ ચોરી પકડાઈ હતી. જેમાં 1488 જેટલા રહેણાક કનેક્શનમાંથી 157 કનેક્શનમાં 62 લાખની ચોરી, 710 જેટલા વાણિજ્ય ઔદ્યોગિક કનેક્શનમાંથી 88 કનેક્શનમાંથી રૂપિયા 116.59 લાખની વીજ ચોરી અને 126 જેટલા ખેતીવાડીના કનેક્શનમાં ચેકિંગ કરતા 16 કનેક્શનમાંથી 6.20 લાખ મળી કુલ રૂ.184.82 લાખની વીજચોરી ઝડપાઈ હતી.

પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વીજચારી પકડવા માટે બહારના જિલ્લાની ટીમો બોલાવવામાં આવી છે. અને એસઆરપીના બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં સૌથી વધુ લાઈન લોસ થતો હોય  એવા વિસ્તારોને માર્ક કરીને ઘેર-ઘેર વીજ મીટરો અને વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મારબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 6 દિવસમાં 184.82 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. હજુ પણ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવી છે.