Site icon Revoi.in

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતથી દર્દીઓ પરેશાન, ફાર્માસ્ટિટ મંડળે કરી રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતને લીધે  દર્દીઓ પરેશાન બની રહ્યા છે. હોસ્પિટલમાં તબીબો દવાનો સ્ટોક ન હોવાથી દર્દીઓને બહારથી દવાઓ લાવવાનું કહી રહ્યા છે. મહિનોઓની દવાની અછત હોવાનું સરકારી હોસ્પિટલના સૂત્રો કહી રહ્યા છે. ત્યારે આ મામલે ફાર્માસ્ટિટ મંડળે રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરીને વહેલી તકે આ સમસ્યા હલ કરવાની માગણી કરી છે.

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે જતાં દર્દીઓને ફ્રીમાં મળતી દવાઓની અછત સર્જાઈ છે. પ્રતિદિન 25 હજાર જેટલા દર્દીઓ જુદી જુદી દવા લેવા માટે સરકારી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાં જતા હોય છે. પરંતુ ડાયાબિટીસ, માનસિક રોગની દવા તેમજ અમુક પ્રકારના ઈન્જેક્શન મળતા નથી. આ અમુક દવાનો જથ્થો 6 માસ સુધી આવતો ન હોવાથી ફાર્માસિસ્ટ મંડળે આ અંગે સરકારને રજૂઆત કરી છે.

ફાર્માસિસ્ટ મંડળના મહામંત્રી ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, દવાના ટેસ્ટિંગમાં 3 મહિના જેટલો સમય લાગતો હોવાથી દવાની 40 ટકાની ઘટ પડે છે. જેથી દર્દીને પુરતી દવા મળી શકતી નથી અને ફાર્માસિસ્ટ અને દર્દીઓ કે તેમના સગાઓ વચ્ચે ખટરાગના બનાવો બને છે. સરકાર દ્વારા ખરીદાતી દવા 11 ડેપોમાં મોકલાય છે. જેનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાય છે. જેમાં લાંબો સમય લાગતો હોવાથી દર્દીને પાંચમાંથી ત્રણ દવા મળતી નથી. જેમાં ડાયાબિટીસ, માનસિક રોગની દવા, સર્જીકલ આઇટમ, રબ્બર ગ્લોવ્ઝ, આઇ વી ફ્લુઇડ, સ્યુચર, હેમોફેલિયાના વિવિધ ફેક્ટર, ઇન્જેક્શનો, તથા લેબોરેટરીની આઈટમનો જથ્થો નિયમિત અને પૂરતા પ્રમાણમાં સપ્લાય ન થતાં વાર્ષિક ઇન્ડેન્ટમાં 40 ટકા દવાનો પુરવઠો સપ્લાય થતો નથી.