સંસદની સુરક્ષા ચૂક કેસના આરોપી લલિત ઝાનો TMCના નેતા સાથેનો ફોટો સામે આવ્યો, ભાજપાએ કર્યા આકરા પ્રહાર
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલે નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ ઘટનાના માસ્ટરમાઇન્ડ લલિત મોહન ઝાનો તૃણમૂલ કોંગ્રેસના નેતા તપસ રોય સાથેનો ફોટોગ્રાફ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેથી આ મામલે ભાજપાએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કરીને ગંભીર આક્ષેપ કર્યાં છે.
પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ ડૉ. સુકાંત મજુમદારે આરોપી લલિત ઝા સાથે TMC નેતા તપસ રોયનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટો શેર કરતા મજમુદારે લખ્યું કે લોકશાહીના મંદિર પર હુમલાના માસ્ટરમાઇન્ડ લલિત ઝા TMCના તપસ રોયને લાંબા સમયથી ઓળખે છે. બંને વચ્ચે ગાઢ સંબંધો છે. શું આ પૂરતો પુરાવો નથી? આ સિવાય બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, અત્યાર સુધી સમગ્ર મામલામાં માત્ર કોંગ્રેસ અને સીપીઆઈ (માઓવાદી) સામેલ હતા. પરંતુ હવે ટીએમસી પણ આરોપીઓથી બાકાત નથી.
તૃણમૂલે પણ મજુમદારના આરોપો પર વળતો પ્રહાર કર્યો હતો. મજમુદારના આરોપોને ફગાવી દેતા રોયે કહ્યું કે હું જનપ્રતિનિધિ છું. સેંકડો લોકો એકસાથે તેમની તસવીરો ખેંચે છે. અમે દરેકને ઓળખતા નથી. ભાજપ હવે માત્ર આક્ષેપબાજી કરીને વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટાવવા માંગે છે.
સંસદમાં ચુક મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બંગાળમાં ઝાના પડોશીઓ અને પરિચિતોનો સંપર્ક કર્યો હતો. ઝાના પડોશીઓ અને પરિચિતો તેને ટીવી પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેને પણ નવાઈ લાગે છે કે મૌન રહેનાર વ્યક્તિ આ કેવી રીતે કરી શકે છે. સ્પેશિયલ સેલે ત્યાંના સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી હતી. દરમિયાન, બુરાબજાર વિસ્તારના રવિન્દ્ર સરાનીમાં ચાની દુકાન ચલાવતા પપુન શૉએ જણાવ્યું કે ઝા એક શિક્ષક હતો, જે બે વર્ષ પહેલા ગામમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો.