રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, વિવિધ અટકળો વહેતી થઈ
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નેપાળના પબમાં એક ચાઈનીઝ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ આ મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે રાહુલ ગાંધીનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોવા મળી રહ્યાં છે. રાહુલ ગાંધીનો વીડિયો નેપાળની જે પાર્ટીનો હતો તે જ પાર્ટીમાં પણ સિંધિયા ઉપસ્થિત રહ્યાંની અટકળો વહેતી થઈ છે. એટલું જ નહીં રાહુલ ગાંધીના પબના વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરનારા ભાજપને લોકો સોશિયલ મીડિયામાં અણિયારા સવાલો કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી અને સિંધિયાનો ફોટો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીર નેપાળની હોવાનું જણાવી રહ્યા છે. જ્યોતિષ એચએમ નામના યુઝરે આ તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સિંધિયા પણ નેપાળમાં લગ્નમાં ગયા છે જ્યાં રાહુલ ગાંધી ગયા છે. તો પછી ભાજપ શા માટે બેગાની સાદીને લઈને આટલો બધો હંગામો મચાવે છે. આ તસવીરમાં સિંધિયા રાહુલ સાથે જોવા મળે છે. કેટલીક મહિલાઓ મોબાઈલથી રાહુલની તસવીર લેતી જોવા મળે છે. દરમિયાન સિંધિયા રાહુલની જમણી બાજુ ઉભેલા જોવા મળે છે. થોડા દિવસો પહેલા ભાજપે નેપાળની એક ક્લબમાં રાહુલ ગાંધીનો વીડિયો ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા હતા.