અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી કોર્ટમાં ફિજિકલ કાર્યવાહી બંધ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી રાબેતા મુજબ થયું છે. ત્યારે 11 મહિના બાદ આજથી રાજ્યની નીચલી અદાલતોમાં ફિઝિકલી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી વકીલોમાં ખુશી ફેલાઈ છે. અમદાવાદમાં વકીલોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં નીચલી અદાલતોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાહર ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારે 10.40થી અમદાવાદની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટ શરૂ થઈ છે. ગત. તા. 26મી માર્ચથી કોર્ટમાં પ્રત્યક્ષ કામગીરી બંધ કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજન્ટ કેસની કાર્યવાહી કરવામાં આવતી હતી. જો કે, આજથી કોર્ટમાં ફિઝિકલી કાર્યવાહી શરૂ થતા વકીલોમાં ખુશી ફેલાઈ છે. તેમજ અમદાવાદના કોર્ટ સંકુલમાં વકીલોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. કોર્ટમાં પ્રવેશતા વકીલોને ટેમ્પરેચર ગન અને સેનેટાઈઝરથી મેઝર કર્યા બાદ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવા અને ટોળામાં ન ઉભા રહેવા માટે પણ વકીલોને તાકીદ કરવામાં આવી છે.
નીચલી કોર્ટોના સરક્યુલરમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોર્ટમાં ચાલતા કેસોમાં કાચા કામના કેદીઓને મુદત તારીખે કોર્ટ રૂબરૂ રજૂ કરવા બાબતે ખાસ સૂચના આપવામાં આવે છે કે, કોર્ટના આદેશ વગર કે અનિવાર્ય સંજોગો સિવાય આરોપીને કોર્ટમાં રુબરું રજૂ કરવા નહીં. આરોપીઓના કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવી. ગત મહિને હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે મંજૂરી આપી હતી.