અમદાવાદઃ સરકારી હોસ્પિટલો, સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ફિઝિયોથેરાપિસ્ટને ડેન્ટિસ અને આયુર્વેદ તબીબ સમકક્ષ ગણીને વર્ગ-2માં મુકવા માટે સરકારને નિર્દેશ આપવા માટે 11 જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા કોર્ટે પૂછ્યું હતું કે, અરજદાર કયા નિયમોને આધારે ભરતીના નિયમોને ચેલેન્જ કરે છે? ફિઝિયોથેરાપિસ્ટને તબીબ કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી ના શકાય. કોર્ટે અરજદારોને નિયમોમાં ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવા સૂચન કરીને અરજીનો નિકાલ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના 11 ફિઝિયોથેરાપિસ્ટએ એડવોકેટ એચ.એસ. મુનસા મારફતે રિટ કરી હતી. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારનું કહેવું હતું કે, તેઓ ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્મસિસ્ટ્ છે. તેઓને ડેન્ટિસ્ટ સમકક્ષ ગણવામાં આવતા નથી. જ્યારે બંનેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો છે, તેમજ ઈન્ટર્નશિપ પણ 6 મહિનાથી 1 વર્ષની છે. આથી તેમને પણ વર્ગ 2ના ગેજેટેડ ઓફિસર સમાન ગણવા જોઈએ અને તે પ્રમાણે પે સ્કેલ મળવો જોઈએ.
આ રિટની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે, અરજદાર કયા નિયમોને આધારે ભરતીના નિયમોને ચેલેન્જ કરે છે? કોર્ટે કહ્યું હતું કે, ફિઝિયોથેરાપિસ્ટને ડોક્ટર કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી ના શકાય. અરજદારે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હેલ્થ મિનિસ્ટ્રી અંતર્ગત આ તમામને એક જ જૂથમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે કોર્ટે અરજદારોને નિયમોમાં ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવા સૂચન કર્યુ હતું. અરજદારે તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી. કે, તેમને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆત રાજ્ય સરકારે ધ્યાને લીધી નથી. દાંતના ડોક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આયુર્વેદિક ડોક્ટરને વર્ગ-2 અંતર્ગત મૂકવામાં આવ્યા છે. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વૈદ્ય જેઓ વર્ગ 3માં હતા. તેમને વર્ગ 2માં મૂકવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, અગાઉ આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી ડોક્ટરોના સમકક્ષ ગણવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ તમામ પોસ્ટની કાર્યશૈલી અલગ અલગ હોય છે, તેમને એક સરખા ગણી શકાય નહીં. અરજદારનું કહેવું હતું કે, તેઓ ડેન્ટિસ્ટ આયુર્વેદિક ડોક્ટર અને વેટરનરી ઓફિસર મુજબ ક્લાસ 2ના ગેજેટેડ ઓફિસર જેવી સમાનતા માગે છે. જેથી હાઇકોર્ટ સરકારને તે અંગેના નિર્દેશો આપે. કોર્ટે અરજદારોની અરજી નકારી નાખી હતી અને જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપિસ્ટ અને તેમના શિક્ષકો અને ફાર્માસિસ્ટને વર્ગ 2 ગણવા કોર્ટ નિર્દેશ આપી શકે નહીં. તે રાજ્યના વૈધાનિક હકો ઉપર તરાપ સમાન ગણાય. આથી અરજદારને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાનું સૂચન આપીને કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.