Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં સિંહ બાળ સિમ્બા અને રેવાની મસ્તી કરતી તસવીરો વાયરલ

Social Share

રાજપીપળાઃ સરદાર સરોવર ડેમની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આજુબાજુના વિસ્તારોનો પ્રવાસન તરીકે સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સફારી પાર્કમાં સિંહબાળનો મસ્તી કરતા વિડિયો વાયરલ થયો હતો. સફારી પાર્કના કર્મચારીઓ પણ બન્ને સિંહબાળની સારીએવી દેખરેખ રાખી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એકતાનગર કેવડિયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો હતો. સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવરચિત મિની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળસિંહને જન્મ આપ્યો હતો. હવે આ બંને બાળસિંહે પહેલીવાર પીંજરાના ઘરમાં પાપા પગલી માંડતાં વધુ એકવાર હરખની હેલી ચઢી હતી.

કેવડિયાના ફોરેસ્ટના અધિકારીના કહેવા મુજબ  એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક (જંગલ સફારી)માં 3 મહિના પહેલાં માદા સિંહ “શ્રદ્ધા”એ 2 બચ્ચાંને જન્મ આપ્યો હતો. પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળસિંહોના જન્મના હરખનાં વધામણાં કરાયાં હતાં. સિંહ યુગલ “સુલેહ” અને “શ્રદ્ધા” ના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને બાળસિંહની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી, જેનું ઉમદા પરિણામ મળ્યું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે, બંને બાળસિંહ સિમ્બા અને રેવાને વિશાળ પીંજરામાં છોડવામાં આવ્યા હતા. બંને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ – સહેલગાહથી પીંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશાં પશુ-પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે. બંને સિંહબાળને પીંજરામાં છોડાતાં એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી જોવા મળી હતી. સુરતથી પ્રવાસે આવેલા સંદીપભાઈએ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે નાના સિંહબાળને બહાર ખુલ્લામાં જોવાનો અનેરો મોકો મળ્યો છે. નિર્દોષ બાળસિંહોની મસ્તી જોઈને પરિવારજનોનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે.