નવી દિલ્હીઃ NIA-EDએ ઓપરેશન ઓક્ટોપસ હેઠળ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ ચોંકાવનારો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલા PFI કાર્યકર શફીક પાયથેને કોર્ટ રજૂ કરીને રિમાન્ડની માંગણી સાથે EDએ કહ્યું- 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં શફીક પાયથે પણ સામેલ હતો.
રિપોર્ટ અનુસાર, તપાસ એજન્સીએ કહ્યું કે, સંગઠને આ હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યો હતો. જેથી 2013 જેવી ઘટનાને અંજામ આપી શકાય. ઓક્ટોબર 2013 માં, પટના ગાંધી મેદાન ખાતે નરેન્દ્ર મોદીની રેલીમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. EDએ કહ્યું કે, PFIને ગલ્ફ કન્ટ્રીમાંથી ફંડિંગ મળે છે. તમામ પૈસા હવાલા દ્વારા આવે છે. અમે આ વર્ષે PFIના 120 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કતારમાંથી 40 લાખ રૂપિયા પણ આરોપીએ ટ્રાન્સફર કર્યા હતા, જે ગેરકાયદેસર રીતે મોકલવામાં આવ્યા હતા.
કોચીમાં એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, પીએફઆઈએ યુવાનોને ઈસ્લામિક રાજ્ય બનાવવા માટે લશ્કર અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દરોડા પછી પકડાયેલા લોકો પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર સંગઠનનું લક્ષ્ય ભારતની સત્તા મેળવવાનું છે. જેમાં લખ્યું હતું કે 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યાં સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવું પડશે. આ દસ્તાવેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો 10% મુસ્લિમો પણ સમર્થન કરશે તો તેઓ કાયરોને ઘૂંટણિયે લાવશે.
એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, પીએફઆઈના સભ્યો હવાલા દ્વારા નાણાં એકત્ર કરીને તાલીમ શિબિરોનું આયોજન કરે છે. આ સાથે તેમના સભ્યો દેશભરમાં અનેક ગુનાહિત કાવતરામાં સામેલ છે. એપ્રિલથી તપાસ ચાલી રહી હતી. CAA કાયદો અને હાથરસ જેવી ઘટનાઓમાં પણ આ સંગઠનો લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવવામાં સામેલ છે.