અમદાવાદઃ શહેરમાં મહિના પહેલા રાજકીય પક્ષોમાં પાર્ટીના ચિન્હો માટે જાણે હરિફાઈ જાગી હોય તેમ તમામ દીવાલો અને જાહેર મિલ્કતો અને મેટ્રોના થાંભલાઓ પર પણ ચિન્હો ચિતરવામાં આવ્યા હતા. દરેક પક્ષ દ્વારા પોતાના ચિહ્નો મેટ્રો પિલર ઉપર ચિતરી દેવામાં આવતા દીવાલો ખરાબ થઈ હતી. ત્યારે મ્યુનિ.દ્વારા રાજકીય પક્ષોના ચિન્હ જાહેર મિલ્કતો પરથી હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં તાજેતરમાં મળેલી મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો રેલના પિલર ઉપર સારું પેઇન્ટિંગ અને મહાનુભાવોના ચિત્રો દોરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું.
મેટ્રો રેલ કોર્પોરેશનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીતે મેટ્રો પિલર ઉપર કલર કરી ચિત્ર દોરવા માટેનું સૂચન કરવામાં આવશે. જેનાથી નાગરિકો જોઈ શકે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો પિલર ઉપર લોકોને ગમે તેવા ચિત્રો અને કલર કરવા માટે મેટ્રોને સૂચન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં રોજની 1000 થી 1200 જેટલી ફરિયાદો નોંધાતી હોવાનું બહાર આવ્યું છે. જેથી આવી ફરિયાદોને ઝડપથી અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં શાળા-કોલેજોની દીવાલો, વીજળીના પોળ અને મેટ્રોના મોટા પોલ પર રાજકીય પક્ષોના ચિન્હો ચિતરેલા જોવા મળી રહ્યા છે. હવે તમામ રાજકીય પક્ષોના ચિન્હો હટાવીને મેટ્રોના મોટા પીલ્લરો પર આકર્ષક ચિત્રો દોરવામાં આવશે. તેમજ મહાનુભાવોના ચિત્રો દોરાશે. તેમજ સુવાક્યો પણ લખવામાં આવશે.