પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સહકારી બેન્કોમાં 4 લાખ નવા ખાતાં ખૂલ્યાં
ગાંધીનગરઃ તમામ સહકારી સંસ્થાઓના સભાસદોના ખાતાઓ સહકારી બેંકોમાં જ ખોલાવવાના લક્ષ્યાંક સાથે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણને પરિણામે આ જિલ્લાઓની મધ્યસ્થ સહકારી બેન્કોમાં 4 લાખ કરતાં પણ વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ બંને બેંકોની ડિપોઝીટમાં રૂ. 700 કરોડ કરતાં પણ વધારે રકમનો વધારો થયો છે તેમ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓને બેંક મિત્ર બનાવી છે અને આ કામગીરી માટે તેઓને કમિશન પણ આપવામાં આવી રહ્યુ છે. આ રીતે પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ પરિણામે થયેલા ફાયદાઓ ધ્યાન લેતા સહકાર થકી આખા રાજ્યમાં આ જ પ્રમાણે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારી ભાવના વધે તે માટે રાજ્યની તમામ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો તથા દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના “સહકાર થી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા કેન્દ્ર સરકારે અનેક પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની તમામ સહકારી સંસ્થાઓના તથા તેમના સભાસદોના ખાતાઓ સહકારી બેંકોમાં જ ખુલે અને તે રીતે સહકારના સાત સિદ્ધાંતો પૈકીના એક સિદ્ધાંત “સહકારી સંસ્થા વચ્ચે સહકારની ભાવના”ને વાસ્તવિક રીતે અમલીકરણ કરવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારની આ પહેલના અમલીકરણ માટે ગુજરાતના બનાસકાંઠા તથા પંચમહાલ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.