અમદાવાદમાં 10 કરોડના ખર્ચે મહિલાઓ માટે 21 સ્થળોએ બનાવાશે ‘પિંક ટોઈલેટ’
અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મહિલાઓની સુવિધા માટે સાત ઝોનમાં કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે અલગ અને સગવડ સાથેના 21 પિંક ટોઈલેટ બનાવાશે. મ્યુનિ.ના રોડ કમિટીના ચેરમેને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોઈલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના બ્લોક અલગ હોવા છતાં ત્યાંનો મુખ્ય દરવાજો એક હોવાથી મહત્તમ મહિલાઓ પે એન્ડ યુઝ ટોઈલેટનો ઉપયોગ ટાળતી હોવાનું જાણવા મળે છે. જેથી શહેરમાં મહિલાઓ બહાર કોઈ કામે નીકળે ત્યારે ટોઈલેટની ભારે અગવડ પડતી હોવાની રજૂઆતો મહિલા કોર્પોરેટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી થઈ હતી. જેના પગલે ડ્રાફ્ટ બજેટમાં મહિલાઓ માટે અલાયદા પિંક ટોઈલેટ બનાવાની જોગવાઈ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમા સાતેય ઝોનમાં પસંદ કરાયેલા 21 સ્થળો પર પિંક ટોઈલેટ બનાવાશે. જે કોન્ટ્રાક્ટર આ પિંક ટોઈલેટ બનાવશે તે 5 વર્ષ સુધી તેની દેખભાળ કરશે, જેના માટે અલગથી સાડા ચાર કરોડ જેટલી જંગી રકમ ચૂકવાશે. એકંદરે 21 પિંક ટોઈલેટ પાછળ કુલ રૂપિયા 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. મહિલાઓને પિંક એટલે કે ગુલાબી કલર વધારે પસંદ હોવાથી આ તમામ ટોઈલેટને અંદર-બહાર પિંક કલરથી રંગવામાં આવશે. મહિલાઓ માટેના અલાયદા પિંક ટોઈલેટમાં કેરટેકર તરીકે પણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ આ ટોઈલેટમાં કોઈ પુરુષ પ્રવેશ કરે નહીં તેની સૂચના આપતા બોર્ડ લગાવાશે. જેથી કોઈ મહિલાને અડચણ પડે નહીં.(file photo)