ભાવનગરઃ ગુજરાતમાં અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગર જિલ્લો વિકાસમાં સૌથી પાછળ છે. જિલ્લામાં મોટા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે જિલ્લામાં કેટલાક સ્થળો એવા છે. કે, પર્યટન ક્ષેત્રે વિકાસ કરીને રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. ભાવનગરથી નજીક સમુદ્રમાં આવેલા પીરમબેટનો હજુ સુધી વિકાસ થઈ શક્યો નથી. ઘોઘાથી હોડીમાં બેસીને પીરમબેટ સુધી પહોંચી શકાય છે અને ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની શકે તેમ છે. હાલમાં ગુજરાતમાં 144 કુલ ટાપુઓ આવેલા છે તેમાં પ્રથમ ફેજમાં પીરોટન ટાપુ, શિયાળટાપુ વિકસાવવાનું આયોજન કરાયું છે પરંતુ ભાવનગર જિલ્લાના પીરમબેટને ધ્યાનમાં લેવામાં આવતો નથી.
ભાવનગર નજીક અરબી સમુદ્રમાં આવેલો પીરમ બેટ હરિયાળો છે, બેટની ચારેબાજુએ સમુદ્રના ઘુંઘવાતા નીર જોવા મળે છે, અત્યાર સુધીમાં અનેકવાર પીરમ ટાપુને પર્યટક સ્થળ વિક્સાવવાની માત્ર વાતો કરવામાં આવી છે, પરંતુ પછી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી, રળિયામણો અને કુદરતી સૌંદર્યનો ખજાના જેવો ટાપુ 3 કિલોમીટર વિસ્તારમાં દરિયાની વચ્ચે સુંદરતાથી પથરાયેલો છે. રાજવી મોખડાજી ગોહિલે અહીં પોતાની રાજધાની પણ સ્થાપેલી તેઓ ભવ્ય ઇતિહાસ છે. પીરમબેટની સુંદરતા અદભુત છે. 50 થી વધુ પ્રકારના જળચર પક્ષીઓનો વસવાટ હોવાનો અંદાજ છે. દુર્ભાગ્યે આ સ્થળ ઉપર સરકારે કોઈ કામ કર્યું ન હોવાથી અત્યારે માનવ વસાહત વિહોણો આ ટાપુ છે. ઐતિહાસિક લડાઈના સાક્ષી રહેલા આ ટાપુ ઉપર પુરાતનિક અવશેષો પણ મળી આવ્યા છે. એટલે માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ વિકાસ કરી શકાય તેવું સ્થળ છે.
ભાવનગરવાસીઓના કહેવા મુજબ આઝાદી પહેલા રજવાડાના સમયે પીરમ બેટ ભાવનગર રાજ્યનો હિસ્સો હતો. ખંભાતના અખાતમાં જતાં વહાણવટા ઉપર નજર રાખવા માટે ટાપુના અગ્નિ ખૂણામાં એક બુરજ બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશ રાજ્ય દરમિયાન આ જગ્યા વ્યૂહાત્મક લાગતા અહીં વિશેષ દીવાદાંડીની ઇમારત બનાવવામાં આવી હતી આજે પણ અહીં જે દીવાદાંડી છે તે આકર્ષણનું કેન્દ્ર છે.