રાજકોટઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોની કેન્ટીનમાં હવે પિઝા, બર્ગર, સમોસા, નૂડલ્સ સહિતની ફાસ્ટ ફૂડની વસ્તુઓ પીરસી શકાશે નહીં, હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં માત્ર હેલ્ધી ફૂડ જ પીરસવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ અને કોલેજોની કેન્ટીનમાં પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. એટલે હવે ફાસ્ટફુડ કે પિઝા, બર્ગર નુડલ્સ કેન્ટીનમાં વેચી શકાશે નહીં. અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ સુચના આપવામાં આવી છે.
યુજીસીના સચિવ પ્રો.મનીષ આર જોશીએ યુનિવર્સિટીઓના કૂલપતિઓ અને સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલોને પત્ર પાઠવ્યો છે. જેમાં કેન્ટીનમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તેના બદલે હેલ્ધી ફૂડને વિકલ્પ તરીકે પ્રમોટ કરવાનું કહેવામાં આવ્યું છે. કેન્ટીનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આહારને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના જ અધિકારીને કેન્ટીનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટના આધારે UGCએ નોટિસ જાહેર કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કેમ્પસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણ પર અને તેના પ્રચાર પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય રોગોને રોકવા માટે કેમ્પસમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કહેવામાં આવ્યું હતુ. કેમ્પસમાં શૈક્ષણિક વાતાવરણ સુધારવાની સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને યુજીસી દ્વારા સતત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીઓને જંક ફૂડ અને બોડી માસ ઇન્ડેક્સ (BMI) વગેરેની ખરાબ અસરો વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવા નિર્દેશ અપાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેટલીક યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં જ જંક ફૂડની દુકાનો જોવા મળી રહી છે. જેમાં ચાઉમીન, બર્ગર અને અન્ય બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આવી સ્થિતિમાં હવે યુનિવર્સિટીઓથી લઈને કોલેજો સુધી હેલ્ધી ફૂડને પ્રોત્સાહન આપવાનો પડકાર રહેશે, પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનો પ્રશ્ન હોવાથી, તેને અવગણી શકાશે નહીં.