નવી દિલ્હીઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. તેની સારવાર ચાલી રહી છે. કેપ્ટનનું નામ શાક્ય હોવાનું કહેવાય છે.
કાઠમંડુ પોસ્ટ અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. ટીઆઈએના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જતી ફ્લાઈટમાં ફ્લાઈટ ક્રૂ સહિત ઓગણીસ લોકો સવાર હતા. સવારે લગભગ 11 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પોલીસ અને ફાયર વિભાગના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો.
વિમાન દુર્ઘટના થતાં જ તેમાં બેઠેલા મુસાફરોમાં ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, રાજધાનીના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઈન્સના પ્લેનમાં આ અકસ્માત થયો હતો. એરપોર્ટના સૂત્રોને ટાંકીને કાઠમંડુ પોસ્ટે લખ્યું છે કે, ટેક-ઓફ દરમિયાન પ્લેન રનવે પરથી સરકી ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં કુલ 19 લોકો સવાર હતા
દુર્ઘટનાને કારણે પ્લેનમાં લાગેલી આગને ઓલવવા માટે અગ્નિશમન દળ અને સુરક્ષા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા હતા. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.