ગરમીની ઋતુ ભલે પૂર્ણ થવાની આરે હોય પણ ગરમીનો અનુભવ તો હજુ પણ થાય છે, માર્કેટમાં અત્યારે પણ મોટી સંખ્યામાં એસી વેચાઈ રહ્યા છે. જો તમારી પણ એસી બદલવાની કે નવું એસી ખરીદવાની ગણતરી હોય તો આ મહત્વની જાણકારી તમે જાણી લે જો.
વાત એવી છે કે આગામી મહિનાથી AC સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારને કારણે ACની કિંમતો વધી શકે છે. BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (Bureau of Energy Efficiency)એ એર કંડિશનર્સ માટે એનર્જી રેટિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1લી જુલાઈ 2022થી લાગુ થશે. અગાઉ આ ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો હતો. એસી ઉત્પાદકોની વિનંતી પર, સરકારે કંપનીઓને 6 મહિનાની છૂટ આપી હતી, જે 30 જૂને પૂર્ણ થઈ રહી છે.
અહેવાલો અનુસાર, નવા નિયમોના કારણે એર કંડિશનરની કિંમતમાં 7 થી 10 ટકાનો વધારો થશે. જોકે, AC મેન્યુફેક્ચર્સે આ અંગે કોઈ નક્કર માહિતી આપી નથી. નવી માર્ગદર્શિકામાં ઉત્પાદકોને ACની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ કંપનીએ એરફ્લો વધારવો પડશે. ઉપરાંત, કોપર ટ્યુબની સર્ફેસ એરિયા વધારવો પડશે અને વધુ એફિશિયન્ટ કોમ્પ્રેસર આપવું પડશે. જેનાથી AC એનર્જી એફિસિયન્સી વધશે.
આવી સ્થિતિમાં, જો તમે નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને 1 જુલાઈ, 2022 પહેલા ખરીદી શકો છો. આ તમને ઓછી કિંમત અને સંભવતઃ ડિસ્કાઉન્ટ પણ મળી જાય. પરંતુ 1 જુલાઈ, 2022 પછી તમારે ચોક્કસપણે વધુ પૈસા ખર્ચવા પડશે.