Site icon Revoi.in

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવાનું આયોજન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ અંગે ઉત્તરાયણ બાદ ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જો કે, મતગણકરી એક સાથે યોજવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ચૂંટણીપંચ દ્વારા રાજ્યના કલેકટરો સાથે ચૂંટણીપંચ દ્વારા વીડિયા કોન્ફરન્સથી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કોવિડ નીપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ, પોલીસને ફેઇસ સિલડ અને સેનીટાઇઝરની સુવિધા પુરી પાડવામાં આવશે. સેનીટાઇઝર અને માસ્ક ની જરૂરિયાત જેવી બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવાની વિચારણા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં પંચાયતો ની ચૂંટણી યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. બીજી તરફ રાજકીયપક્ષો દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેય બેઠકો ઉપર ભાજપનો વિજય થતા કાર્યકરોમાં ઉત્સાહ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.