ભાલના વેરાન વિસ્તારને હરિયાળો બનાવવા કટબુંદી, લીંબોળી, બોર સહિત બે ટન સીડ બોલનું વાવેતર
ભાવનગર: જિલ્લાનો ભાલ વિસ્તાર વેરાન ગણાય છે. ધોલેરાથી ભાવનગર જતા હાઈવેના આસપાસના વિસ્તારોમાં મીઠાના અગરો અને દુર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં બાવળો જોવા મળે છે. આ વિસ્તારમાં કાળુભાર સહિત નદીઓનું મસુદ્ર સાથે મિલન થાય છે. એટલે ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા જોવા મળે છે, પણ ઉનાળામાં આ આખો યે વિસ્તાર વેરાન ભાસતો હોય છે. ત્યારે આ વિસ્તારને હરિયાળો બનાવવા માટે ભાવનગર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કર્મચારીઓએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ભાલ વિસ્તારની સૂકી અને વેરાન જમીનમાં કટબુંદી, સરગવો, કેરીના ગોટલા, લીંબોળી, બિલા, ગુંદા, ખાખરો, સીતાફળ, જાંબુ, ખીજડા, ગરમાળા અને બોરના અંદાજે બે ટન જેટલા સીડ બોલ બનાવી ભાલ વિસ્તારના જુદા-જુદા ગામોની વેરાન ખૂલ્લી જમીનમાં સીડ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારના ગામોમાં આવેલી ખુલ્લી જમીનમાં અને અલંગ નદી અને ખારા નામે ઓળખાતી જગ્યાના પટમાં તેમજ વેગડ નદીના કિનારે આશરે 1500 કી.લો. જેટલા સીડ બોલ વાવીને સ્પ્રેડ કરીને ધરતીને લીલીછમ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. એક જમાનામાં કુદરતી ઘાસિયા મેદાનોમાં હાલ તેલીયો ખાર છે અને ગાંડા બાવળ સિવાય કશું ઊગતું નથી એવા વિસ્તારોમાં ભાવનગર તાલુકાના વિસ્તરણ અધિકારી અને તલાટી મંત્રીઓએ આ વિસ્તારમાં ઉગી શકે તેવા બિયારણ ભેગા કરી તેના સીડબોલ બનાવ્યાં છે. ગ્રામજનો તથા જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના આગેવાનોને સાથે રાખી તલાટી મંત્રીઓના સહકારથી ચોમાસા દરમિયાન ખુલ્લા મેદાનો અને નદી કાંઠાની જમીનોમાં જુદી જુદી વનસ્પતિઓના સીડ બોલ મોટા પ્રમાણમાં વાવવામાં આવી રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં બિયારણ ભેગું કરી અને એના સીડ બોલ બનાવવામાં કોઈ પણ પ્રકારનો પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો નથી
તાલુકા પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ રાજગઢ ગામના બ્લેક બક સફારી લોન્જથી ઝુંબેશનો પ્રારંભ કરી જે વિસ્તારમાં હાલ બાવળ સિવાય કશું થતું નથી તેવા વિસ્તારનું નવસર્જન કરવા સૌ કોઇએ કમર કસી છે. ગયા વર્ષે પણ આવો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સીડ બોલને રસ્તાથી દૂર ફેંકવા માટે ગિલોલ મદદથી પણ ફેકવામાં આવ્યા હતા. સીડ બોલ એટલે બીજના દડા, જેનો અર્થ બોલ અથવા જાપાનીઝ અર્થ નેન્ડો ડાંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં અંકુરણમાં મદદ કરવા માટે બીજનો માટીનો બોલ એટલે કે સીડ બોલ બનાવીને ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે જેથી આવી જગ્યાઓમાં વરસાદ પડવાથી સીડ બોલ માટીના બનેલા હોઈ જમીન સાથે જોડાયેલા રહે છે અને અંકુરીત થવામાં સફળતા મળે છે.