અમદાવાદઃ ગુજરાતમાં ખરીફ પાકની સંતોષકારક વાવણી અને ઉપજ થયા બાદ હવે ખેડૂતોએ શિયાળાના આરંભ સાથે જ રવિ (શિયાળુ) પાક તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ રાજ્યમાં શિયાળુ પાકનું જેટલુ વાવેતર થયેલ તેના કરતા આ વર્ષે અઢી ગણુ વધુ વાવેતર થયું છે. ઘઉં, ચણા, જુવાર, રાઇ, શેરડી, બટાટા, શાકભાજી, ઘાસચારો સહિત કુલ 8.41 ટકા વાવેતર થઇ ચુક્યુ છે. હજુ વાવેતર ચાલુ છે. રાજ્યમાં સૌથી વધારે વાવેતર ચણાનું થયું છે.સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ઘઉં, ચણા ઉગાડવામાં આવે છે. અમૂક વિસ્તારોમાં શિયાળુ વાવેતર પુરૂ થઇ ગયું છે.
પિયત ઘઉંનું 26757 હેકટરમાં અને બિનપિયત ઘઉંનું 621 હેકટરમાં મળી કુલ 27378 હેકટરમાં વાવેતર થયું છે. જુવારનું 3274 અને મકાઇનું 27136 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચણાનું 48808 હેકટરમાં અને અન્ય કઠોળનું13976 હેકટરમાં વાવેતર થઇ ચુકયુ છે. રાઇનું 1.19 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તે ટકાવારીની દ્રષ્ટિએ 48.59 ટકા જેટલું છે.
શેરડી 29 હજાર હેકટરમાં વાવેતર થયું છે. જીરૂનું 3866 અને ધાણાનું 12449 હેકટરમાં વાવવામાં આવેલ છે. ઘઉં, ચણા જેવા પાક માર્ચમાં બજારમાં આવશે. જીરૂ,લસણ માર્ચ અંત અથવા એપ્રિલ પ્રારંભે બજારમાં દેખાશે. જે વિસ્તારમાં પાછોતરો વરસાદ સારો થયો છે. ત્યાં તળાવો, ડેમો, તળ વગેરેમાં પાણી હોવાથી રવિ પાક માટે વધુ અનુકુળતા રહેશે. વાવેતર પછી ઉપજની ગુણવતા અને પ્રમાણમાં પાણી ઉપરાંત કુદરતી વાતાવરણ નિર્ણાયક રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના સઘળા ખરીફ પાકોનું વાવેતર 99.34 ટકા થયું હતું.