સાબરકાંઠામાં ખેલાયો ખુની ખેલઃ કૌટુંબિક તકરારમાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક-બે નહીં પરંતુ 3 વ્યક્તિઓની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોશીના તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જીજણાટ ગામમાં રહેતો રમેશ ઉદાભાઈ બુબડીયા મારક હથિયાર લઈને અજાવાસ ગામમાં પોતાની ભાભીના ભાઈના ઘરે ગયો હતો. જ્યાં રાત્રિના સમયે ઘરની બહાર ખાટલામાં સુઈ રહેલા ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમાર ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં બાજુમાં લલ્લુભાઈની બાજુમાં સુઈ ગયેલા તેમના પાંચ વર્ષના પુત્ર કલ્પેશ ઉપર પણ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન આ બનાવની જાણ થતા લલ્લુભાઈના ભાઈ મકનાભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં રમેશભાઈ અને મકનાભાઈ વચ્ચે મારક હથિયાર વડે સામ-સામે મારામારી થઈ હતી. આ હુમલામાં હત્યારા રમેશ બુબડીયાનું પણ ગંભીર ઈજાને કારણે મોત થયું હતું. જ્યારે મકનાભાઈને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ પોલીસ સુરક્ષા વચ્ચે મકનાભાઈની સારવાર કરવામાં આવી રહી છે. કૌટુબિક તકરારમાં આ ટ્રીપલ હત્યાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.